આજે નિર્જલા કે ભીમ એકાદશીઃ શું હોય છે મહત્ત્વ, જાણો પૂજન અને મુહૂર્ત
- નિર્જલા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે
- આ એકાદશી જેઠ મહિનાના સુદ પક્ષમાં આવે છે
- 31 મે, 2023, બુધવારના રોજ ભીમ અગિયારસ કરાશે
જેઠ મહિનાના સુદ પક્ષમાં પડતી એકાદશીને નિર્જળા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને તમામ 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશી કરવાનું ફળ મળી જાય છે. આ વ્રત કરવાથી જીવન સુખમય બને છે અને પાપમાંથી મુક્ત થાય છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 31 મેના રોજ કરવામાં આવશે. આજનો દિવસ ભીમ અગિયારસના નામથી પણ પ્રચલિત છે.
એવું માનવામાં આવે છે કે આ વ્રત ભીમે રાખ્યુ હતુ તેથી તેને ભીમ એકાદશીના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે. નિર્જલા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ વરસે છે.
નિર્જલા એકાદશીનું વ્રત તમામ મનોકામના પુર્ણ કરનાર માનવામાં આવે છે. આજના દિવસે કરાયેલુ પૂજન અને દાન-પુણ્યથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ અપાવનારી તમામ એકાદશીમાં આ વ્રત સૌથી કઠિન છે. જાણો એકાદશીના પુજન-વિધિ અને શુભ મુહુર્ત.
વ્રતના શુભ મુહુર્ત
હિંદુ પંચાંગ અનુસાર આ વખતે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી મંગળવારે 30 મે બપોરે 1.07 વાગ્યાથી શરૂ થઇ ચુકી છે. આ તિથિ 31 મે બુધવારે બપોરે 1.45 વાગ્યે સમાપ્ત થશે તેથી આ વખતે ભીમ અગિયારસ આજના એટલે કે 31 મેના રોજ મનાવાશે.
વ્રતના પારણા
તમે ગુરુવારે 1 જુનના દિવસે સવારે 5.24થી 8.10 સુધીના સમયે પારણા કરી શકો છો.
આ રીતે કરજો પૂજન
- નિર્જલા એકાદશીના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન કરો
- ત્યારબાદ પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પૂજા કરો.
- ત્યારબાદ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો.
- સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને રાતે કીર્તન કરી જમીન પર વિશ્રામ કરો.
- ત્યારબાદ બીજા દિવસે સ્નાનાદિ પતાવીને બ્રાહ્મણોને આમંત્રિત કરીને ભોજન કરાવો અને યથાશક્તિ દાન આપો.
- ત્યારબાદ વ્રતના પારણા કરો, બધાને પ્રસાદ ખવડાવો અને ખુદ ભોજન કરો.
આ પણ વાંચોઃ સારા સ્પીકર બનવા ઇચ્છો છો? તો આટલી બાબતોનો ખાસ રાખો ખ્યાલ