આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ : જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે તેનું મહત્વ ?
પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવવિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૧ ડિસેમ્બર ના રોજ “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આ પણ વાંચો : International Men’s Day : કેમ ઉજવાય છે આ દિવસ ?
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસનો ઈતિહાસ
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ ૧૯૯૨માં બનાવવામાં આવ્યો હતો, જેને એજન્ડા ૧૩ ના પ્રકરણ ૨૧ “મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ: સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ” પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યું હતું. પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૦૨ ને યુનાઈટેડ નેશન્સ વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું અને ૧૧ ડિસેમ્બર ૨૦૦૩ થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ ૧૧ ડીસેમ્બર,૨૦૦૩ ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
વર્ષ 2022ની આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ હશે “વુમન મુવ માઉન્ટન”. જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની અને તેથી સામાજિક ન્યાય, આજીવિકા અને સ્થિતિસ્થાપકતાને સુધારવામાં યોગદાન આપવાની તક છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુ.એન એ ૨૦૨૨ ને ટકાઉ પર્વત વિકાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. પર્વતીય વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણ, સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓની મુખ્ય ભૂમિકાને પ્રકાશિત કરે છે. તે તમને વિશ્વભરના પર્વતીય લોકો અને વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે જાગૃતિ લાવવા અને પગલાં ભરવામાં મદદ કરી શકે છે.
પર્વતોનું મહત્વ
પર્વતોના પર્યાવરણીય સંરક્ષણ, સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. મહિલાઓ પર્વતીય સંસાધનોના પ્રાથમિક સંચાલકો, જૈવવિવિધતાના રક્ષક, પરંપરાગત જ્ઞાનના રક્ષક, સ્થાનિક સંસ્કૃતિના રક્ષકો અને પરંપરાગત દવાઓના નિષ્ણાતો હોવાથી પર્વતીય કૃષિ અને ગ્રામીણ વિકાસમાં રોકાણની તકો વધારવા માટે મહત્વનું યોગદાન આપી શકે છે. સ્ત્રી એ પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે પર્વતીય અર્થતંત્રોના વિકાસમાં પણ સક્રિય બની ફાળો આપી શકે છે.
સમગ્ર વિશ્વની ૧૫% વસ્તીનું ઘર પર્વતો છે. વિશ્વની લગભગ અડધા ભાગની જૈવવિવિધતા પર્વતોમાં સમાવિષ્ટ છે. પર્વતો રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરું પાડે છે. તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે. પરંતુ પર્વતો આબોહવા પરિવર્તન અને અતિશય શોષણથી જોખમમાં છે. જેમ જેમ વૈશ્વિક આબોહવા સતત ગરમ થઈ રહી છે, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોએ ટકી રહેવા માટે વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે. વધતા જતાં તાપમાનને કારણે પર્વતીય હિમનદીઓ અભૂતપૂર્વ રીતે પીગળી રહી છે, જે લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરી રહી છે. આ સમસ્યા આપણને બધાને અસર કરે છે. આપણે કાર્બનનું પ્રમાણ ઘટે તે માટે ફળદાયી પગલાં લેવા જોઈએ અને આ કુદરતી ખજાનાની કાળજી લેવી જોઈએ.
કેમ ઉજવવામાંં આવે છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ?
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે. આબોહવા અને ભૂમિ સ્વરૂપના ફેરફારોને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. પર્વતો કપાઈ રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે. આમ કરવાથી આપણી ભાવિ પેઢી માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં લોકો માટે જરૂરી છે કે તેઓ પર્વતો પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજાવવા માટે સંગઠિત થાય.
લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ભારતમાં તો આદિકાળથી પર્વતોનું મહત્ત્વને સમજીને પર્વતો સાથે આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાશ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્રુંજ્ય, ઓસમ સહિતના નાના મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકો જાગૃત થાય તે માટે ગુજરાતમાં આવેલા આ પર્વતો ઉપર જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ-અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો એ ભાવિ પેઢી છે, તેમના ભવિષ્ય વિશે તેઓ વિચારતા થાય, પ્રકૃતિ પ્રેમી બને તે માટે ટ્રેકિંગ કેમ્પ પણ યોજવામાં આવે છે. પર્વતોએ કુદરતી ઝવેરાતનો ખજાનો છે તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે.