આજે ગુડફ્રાઇડેઃ કેમ બ્લેક ફ્રાઇડે તરીકે પણ ઓળખાય છે?
- યહુદીઓના કટ્ટરુપંથી ધર્મગુરૂઓને ઇસુ ખ્રિસ્તની પ્રસિદ્ધિનો ભય થઇ ગયો હતો
- ધર્મગુરુઓએ તે સમયે રોમન ગવર્નર પિલાતુસને ઇસુ ખ્રિસ્તની ફરિયાદ કરી
- રોમન ગવર્નર પિલાતુસે ઇસુ ખ્રિસ્તને સુળી પર લટકાવવાની સજા સંભળાવી.
ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. 2023માં આ તહેવાર 7 એપ્રિલના દિવસે ઉજવાઇ રહ્યો છે. ગુડફ્રાઇડેની ડેટ ઇસ્ટર રવિવારની તિથિથી નક્કી થાય છે. ઇસ્ટર રવિવારના ત્રણ દિવસ પહેલા દર વર્ષે ગુડ ફ્રાઇડે મનાવવામાં આવે છે.
ઇસ્ટર સન્ડે પુર્ણિમા અને વસંત બાદ આવનાર પહેલા રવિવારને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. ઇસ્ટર ખ્રિસ્તી ધર્મમાં તે પવિત્ર દિવસ માનવામાં આવે છે જે દિવસે ઇસુ ખ્રિસ્ત મૃત્યુ બાદ ફરી વખત જીવિત થયા હતા. તેના ઠીક ત્રણ દિવસ પહેલા તેમને દર્દનાક રીતે મૃત્યુદંડ અપાયો હતો.
ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર કેમ લટકાવવામાં આવ્યા હતા એ અંગે એવુ કહેવાય છે કે યહુદીઓના કટ્ટરુપંથી ધર્મગુરૂઓને ઇસુ ખ્રિસ્તની પ્રસિદ્ધિનો ભય થઇ ગયો હતો. તેથી તેમને ઇસુ ખ્રિસ્ત સાથે વિરોધાભાસ થતો હતો. ઇસુ ખ્રિસ્ત સ્વયંને ઇશ્વરના પુત્ર કહેતા હતા, પરંતુ યહુદી ધર્મ ગુરૂઓને તેમનામાં તેવુ ખાસ કંઇ દેખાતુ ન હતુ. ધર્મ ગુરુઓને આ વાત ખટકતી હતી. આવા ધર્મગુરુઓએ તે સમયે રોમન ગવર્નર પિલાતુસને ઇસુ ખ્રિસ્તની ફરિયાદ કરી અને તેમને રાષ્ટ્ર તેમજ ધર્મ માટે ખતરો ગણાવ્યો. કટ્ટરપંથી યહુદીઓ દ્વારા ક્રાંતિ ફેલાવવાના ભયથી રોમન ગવર્નર પિલાતુસે ઇસુ ખ્રિસ્તને સુળી પર લટકાવવાની સજા સંભળાવી.
કેમ કહેવાય છે બ્લેક ફ્રાઇડે?
સજા સંભળાવ્યા બાદ રોમન સૈનિકોએ ઇસુ ખ્રિસ્ત પર કોરડા વરસાવ્યા. અનેક પ્રકારની યાતનાઓ આપી. તેમને અપમાનિત કર્યા. અંતમાં ગુડ ફ્રાઇડેના દિવસે તેમને ક્રોસ પર લટકાવી દીધા. આટલી પીડાઓ અને અપમાન સહન કરીને પણ ઇસુ ખ્રિસ્ત વિચલિત ન થયા અને અંતિમ સમયે એ તમામ લોકોની દુઆઓ માંગી જેમણે તેમને આવો ત્રાસ આપ્યો. ઇસુ ખ્રિસ્તને જે દિવસે ક્રોસ પર લટકાવી દીધા તે ફ્રાઇડે હતો.
ગુડ ફ્રાઈડેના રોજ ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે તેમના અનુયાયીઓ કાળા કપડાં પહેરે છે અને ચર્ચમાં જાય છે. ગુડ ફ્રાઈડેના દિવસે ચર્ચમાં ઘંટ કે મીણબત્તીઓ પ્રગટાવવામાં આવતી નથી. આ દિવસને બ્લેક ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં પણ આવે છે
મૃત્યુ બાદ પણ જીવિત થયા ઇસુ ખ્રિસ્ત
મૃત્યુ બાદ ફરી 3 દિવસ બાદ ઇસુ ખ્રિસ્ત જીવિત પરત ફર્યા અને પોતાના શિષ્યોને મળીને તેમને ધર્મના પ્રચારનો સંદેશ આપ્યો. ત્યારબાદ 40 દિવસ બાદ સ્વર્ગ ચાલ્યા ગયા. તેમના 12 શિષ્યોએ તેમના ગયા બાદ ઇસુના સંદેશાઓનો પ્રચાર કર્યો.
ગુડ ફ્રાઇડે કેમ ઉજવવામાં આવે છે
ઇસુએ કદી કોઇનું ખરાબ નહોતુ ઇચ્છ્યુ. તેમને મૃત્યુદંડ અને યાતનાઓ આપનારા લોકો માટે પણ તેમણે દુઆઓ માંગી છે. તેથી તેમના અનુયાયીઓ તે દિવસને ગુડ ફ્રાઇડેના રૂપમાં ઉજવે છે. ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તના અનુયાયીઓ ખાસ કરીને તેમની પ્રાર્થના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ચર્ચમાં જાય છે. ગુડ ફ્રાઈડેના દિવસે દેશના તમામ ચર્ચોમાં વિશેષ પ્રકારની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તારીખ સામે આવી, તૈયારીઓ શરૂ