અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતવિશેષ

આજે 5160મી ગીતા જયંતી: જાણો આ મહાન ગ્રંથ વિશે

  • આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર મહાન અર્જુનને ગીતાનો આપ્યો હતો ઉપદેશ
  • ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોક દ્વારા અર્જૂનને કર્તવ્ય અને ધર્મનું જ્ઞાન આપવા માટે સમગ્ર માનવજાતને માર્ગદર્શન પૂરું પાડ્યું

અમદાવાદ, 22 ડિસેમ્બર : આજે માગસર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી છે. આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવાય છે. શ્રીમદ ભગવદ ગીતાએ હિન્દુ ધર્મના સૌથી વધુ પવિત્ર ગંથો પૈકીનું એક છે. ગીતાએ એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. જે જીવનનાં દરેક પાસાંનું માર્ગદર્શન પૂરું પાડે છે. હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતી આ શ્રીમદ ભગવદ ગીતાને લઈને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ગીતા જયંતીના દિવસે તેની પૂજા કરે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો પાઠ કરે અને પોતાના જીવનમાં તેનું આચરણ કરે છે તો તેના પર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ વરસે છે અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરનાર ક્યારેય બ્રહ્મના બંધનમાં ફસાતો નથી અને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

Shrimad Bhagwad Gita
શ્રીમદ ભગવદ ગીતા

કહેવાય છે કે, માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જેથી શ્રીમદ ભગવદ ગીતા વાસ્તવમાં આપણા એક મહાન ધાર્મિક ગ્રંથ મહાભારતનો ભાગ છે. જેમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોક દ્વારા મહાન અર્જૂનને કર્તવ્ય અને ધર્મનું જ્ઞાન આપવા માટે સમગ્ર માનવજાતને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ વખતે ગીતાની 5160મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. જે સાધકો તેમની આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગતા હોય તો તેવા સાધકો માટે શ્રીમદ ભગવદ ગીતા કરતા વધુ સારો કોઈ જ ગ્રંથ હોય શકે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ગીતાના પાઠ કરવાથી પરિવારમાં એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે

શ્રીમદ ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આ મહાન અને પવિત્ર ગ્રંથને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા(Positive Vibes) આવે છે. દરરોજ ગીતાના પાઠ કરવાથી પરિવારમાં એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઉલ્લેખનીય છે કે, ગીતામાં ધર્મ, કાર્ય, નીતિ, સુખ અને સફળતાનું રહસ્ય છુપાયેલું છે. શ્રીમદ ભગવદ ગીતાના પાઠ કરવાથી જીવનના તમામ પ્રશ્નોના જવાબ મળી જાય છે. એટલું જ નહીં, જે ઘરમાં ગીતાનો પાઠ ભક્તિ સાથે કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહે છે. તેમજ ગીતા જયંતીના દિવસે ગીતાનો પાઠ કરવાથી અને હવન કરવાથી ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.

શ્રીમદ ભગવદ ગીતાને સંબંધિત મહત્વના નિયમો, જેનું પાલન કરવું જરૂરી

  1. જો તમારા ઘરમાં શ્રીમદ ભગવદ ગીતા હોય તો તેની આસપાસ ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. ગીતાને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, તેથી તેને સ્વચ્છ જગ્યાએ જ રાખો.
  2. શ્રીમદ ભગવદ ગીતાને જમીન પર કે હાથમાં રાખીને ક્યારેય વાંચશો નહીં, તેને ફક્ત લાકડાના બનેલા પૂજાના મંચ અથવા સ્ટૂલ પર રાખો.
  3. ગીતાને હંમેશા લાલ કપડામાં લપેટીને રાખો. પાઠ કરતી વખતે જ તેને ખોલો.
  4. સ્નાન વિગેરે કર્યા બાદ અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરો.
  5. ગીતાને ગંદા હાથથી, સ્નાન કર્યા વિના અથવા માસિક ધર્મ(Periods) દરમિયાન ક્યારેય સ્પર્શ કરશો નહીં.
  6. શ્રીમદ ભગવદ ગીતાના પાઠ કરવા માટે વ્યક્તિએ આસનનો ઉપયોગ કરવો જોઈએ.
  7. દિવસના કોઈપણ સમયે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરી શકાય છે, ફક્ત પવિત્રતાનું ધ્યાન રાખો.
  8. ભગવદ ગીતાના અધ્યાયને અધવચ્ચે અધૂરો ન છોડો, આખો અધ્યાય વાંચ્યા પછી જ ગીતા બંધ કરો.
  9. ગીતાનો પાઠ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશ અને શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ.
  10. શ્રીમદ ભગવદ ગીતાનો દરેક અધ્યાય શરૂ કરતા પહેલા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

ગીતા જયંતીની પૂજન વિધિ

mokshada ekadashi
મોક્ષદા એકાદશી

ગીતા જયંતીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરો અને મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભગવદ્ ગીતાની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. આ દિવસે ગીતાના પાઠ અને શ્રવણનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. ગીતા જયંતિના દિવસે ગરીબ વ્યક્તિને વસ્ત્ર કે ભોજનનું દાન કરવાથી પણ પુણ્ય મળે છે. ગીતાને ગીતોપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતાના ઉપદેશોને આત્મસાત કરવા અને અનુસરવાથી બધી મુશ્કેલીઓ તેમજ શંકાઓ દૂર થાય છે. એવું કહેવાય છે કે, ગીતામાં જણાવેલી વાતોને જીવનમાં સામેલ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચોક્કસ સુધરે છે.

ગીતા જયંતીની આજની તારીખ

હિન્દુ કેલેન્ડર મુજબ, આજે માગસર શુક્લ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીના રોજ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આજે માગસર શુક્લ એકાદશી સવારે 8.15 કલાકે શરૂ થઈ છે અને આવતીકાલે 23મી ડિસેમ્બરે સવારે 7.10 કલાકે સમાપ્ત થશે. ગીતા જયંતિ પર ત્રણ ખૂબ જ શુભ યોગ બન્યા છે. જેમાં શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમાવેશ થયો છે.

આ પણ જુઓ :વર્ષની અંતિમ મોક્ષદા એકાદશી પર કરો ધન વૃદ્ધિના આ ઉપાય

 

Back to top button