આજે સાંજે વિશ્વ આખાને જે મેચની રાહ છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાવાનો છે. જેને લઇ બંને ટીમો સંપૂર્ણ તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ દુબઈના એ જ મેદાન પર રમાશે જ્યાં દસ મહિના પહેલા T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને સામને આવી હતી. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની હારનો બદલો લેવા તેમજ એશિયા કપમાં હરીફ ટીમ સામે છ વર્ષ સુધી ચાલેલા વિજય અભિયાનને ચાલુ રાખવા મેદાનમાં ઉતારવાની છે. ભારતે 2016ના એશિયા કપમાં અને 2018માં બે વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.
શર્મા અને કોહલી માટે આ મેચમાં સારો દેખાવ કરી ફિટનેસ બતાવવાની ઉત્તમ તક
રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લા એક દાયકાથી મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતીય ટીમના મહત્વપૂર્ણ સભ્યો છે. જો રોહિત વધારાની આક્રમક બેટિંગ અભિગમ અપનાવવા માંગે છે, તો વિરાટ માટે મુશ્કેલ સમયને પાર કરવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ હશે. ભારતીય ટીમનું આનાથી પણ મોટું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ કમ્પોઝિશનને અંતિમ સ્વરૂપ આપવાનું રહેશે.
છેલ્લે રમાયેલી મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું પાકિસ્તાને
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 10 વર્ષથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી નથી. બંને દેશો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. છેલ્લી વખત જ્યારે ભારતે પાકિસ્તાનનો સામનો કર્યો હતો ત્યારે તેને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના પગલે વિશ્વભરમાં વસતા ભારતીયો નિરાશ થયા હતા. ત્યારે આજે આ મેચ જીતીને તે હારનો બદલો લેવા ભારતનો ઉત્સાહ વધારી રહ્યા છે.