આજે અનંત ચતુર્દશીઃ ગણેશ વિસર્જન સાથે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ મહત્ત્વ
- અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરવાની સાથે સાથે અનેક લોકો ચતુર્દશીનું વ્રત પણ રાખે છે. ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ખાસ મહત્ત્વ હોય છે.
ભાદરવાની સુદ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે અનંત ચતુર્દશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને રાજયોગ જેવુ સુખ આપણા જીવનમાં આવે છે. ચતુર્દશી તિથિ 27 સપ્ટેમ્બરના દિવસે રાતે 10.18 વાગ્યાથી શરૂ થઇ છે અને આજે 28 સપ્ટેમ્બરે સાંજે 6.49 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે ગણેસ વિસર્જન પણ કરવામાં આવશે.
ચતુર્દશીના મૂહુર્ત જાણો
અનંત ચતુર્દશીનું વ્રત રાખી રહ્યા હો તો કથાનું મુહૂર્ત સવારે 6.12થી સાંજે 6.49 સુધી છે. જો તમે ગણેશ વિસર્જન કરી રહ્યા હો તો તેનું શુભ મુહૂર્ત સવારે 6.11 વાગ્યાથી 7.40 વાગ્યા સુધી રહેશે. બપોરે 10.10 વાગ્યાથી 1.11 વાગ્યા સુધી જ્યારે સાંજનું શુભ મુહૂર્ત 4.41 વાગ્યાથી રાતે 9.10 વાગ્યા સુધી રહેશે. આમાંથી કોઇ પણ સમયે ગણેશ વિસર્જન કરી શકાશે.
વ્રતની વિધિ
આ માટે સવારે વહેલા ઉઠીને નાહી ધોઇને સ્વચ્છ વસ્ત્રો પહેરો, ત્યારબાદ વ્રતનો સંકલ્પ લો. સંકલ્પ માટે જમણા હાથમાં જળ, પુષ્પ, ફળ રાખો. અનંત સૂત્ર કાચા ધાગાને 14 ગાંઠ લગાવીને બનાવો. ત્યારબાદ હળદરથી રંગીને અક્ષત. ધૂપ-દીપ, નૈવેધ, પુષ્પ વગેરેથી પૂજા કરો.
ભાદરવા સુદ ચૌદશને મોટા તહેવારની જેમ મનાવાય છે. શાસ્ત્રોની વાત માનીએ તો આજના દિવસે ભગવાન વિષ્ણુએ ચૌદ લોકની રક્ષા માટે ચૌદ રૂપ ધારણ કર્યા હતા. આ કારણે ભગવાન વિષ્ણુના અનંત રૂપની આ દિવસે પૂજા કરવામાં આવે છે. આ સાથે ગણેશજીનું વિસર્જન પણ કરવામાં આવે છે. અનંત ચતુર્દશી કે અનંત ચૌદસ જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ કે પવિત્ર માનવામાં આવે છે. આ મુખ્ય પર્વ જૈન તહેવાર પર્યૂષણ પર્વનો આખરી દિવસ હોય છે.
આ પણ વાંચોઃ મોડી રાત સુધી તમે પણ ફોન નથી જોતા ને? જાણી લેજો નુકશાન