આજે આમલકી એકાદશીઃ કેમ હોય છે વિષ્ણુ ભગવાન સાથે શિવ-પાર્વતીની પૂજાનું પણ મહત્ત્વ?
હિન્દુ ધર્મમાં હોળીના તહેવાર પહેલા આમલકી એકાદશી કે રંગભરી એકાદશી આવે છે. તેનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ સુદ અગિયારસને આમલકી એકાદશી કે રંગભરી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાની આ એકમાત્ર અગિયારસ એવી છે જેમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એકાદશીની દિવસે ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ બાદ પહેલી વાર કાશી આવ્યા હતા.
અનેક શુભ યોગો સાથે આવી એકાદશી
આ વખતે એકાદશી પર સૌભાગ્ય, શોભન અને સર્વાર્થ સિદ્ધિ જેવા મહાન યોગ બની રહ્યા છે. આ કારણે રંગભરી એકાદશીનું મહત્ત્વ વધી ગયુ છે. જે રીતે હોળાષ્ટકથી હોળીની શરૂઆત થાય છે તે રીતે કાશીમાં રંગભરી એકાદશીથી હોળીની શરૂઆત થાય છે.
કેમ કહેવાય છે આમલકી એકાદશી?
આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમળાના વૃક્ષને આદિ વૃક્ષ કહેવામાં આવે છે કારણ કે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઇ, જ્યારે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી. આ વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોવાનું કહેવાય છે. આ વ્રતમાં આંબળાનું ખુબ મહત્ત્વ છે કેમકે એવુ કહેવાય છે કે ભગવાનને પણ આંબળાનો ભોગ ધરાવાય છે અને ભક્તો પણ આંબળાનો પ્રસાદ લે છે. આંબળાનું દાન પણ કરવામાં આવે છે. આંબળાના વૃક્ષને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવોના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
કેમ કહેવાય છે રંગભરી એકાદશી?
એવી માન્યતા છે કે ભગવાન શિવ માતા પાર્વતીને પહેલી વાર કાશી રંગભરી એકાદશી પર લાવ્યા હતા. ભગવાન શિવ અને પાર્વતીનું સ્વાગત લોકોએ અબીલ ગુલાલ ઉડાડીને કર્યુ હતુ. આ કારણે રંગભરી એકાદશીનો ઉત્સવ કાશીમાં મનાવવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને દુલ્હાની જેમ સજાવવામાં આવે છે. એવી માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથ નગર ભ્રમણ પર નીકળે છે અને ચારેય બાજુ લાલ, લીલુ, પીળુ ગુલાલ ઉડાડવામાં આવે છે.
ક્યારે કરાશે એકાદશીના પારણા
રંગભરી એકાદશી વ્રતના પારણા 4 માર્ચના રોજ કરવામાં આવશે. વ્રત ખોલવાનો શુભ સમય 4 માર્ચ સવારે 6.44 મિનિટથી 9.03 મિનિટ સુધી છે.
આ પણ વાંચોઃ સર્વાર્થ સિદ્ધિ, સૌભાગ્ય સહિત અનેક શુભ યોગમાં મનાવાશે રંગભરી એકાદશીઃ જાણો મહત્ત્વ