મહિલા IPSનું લોકેશન ટ્રેસ કરતો વ્યક્તિ કોને લોકેશન મોકલતો હતો? થયો ચોંકાવનારો ખુલાસો
મધ્યપ્રદેશ, 02 એપ્રિલ : ભારતીય પોલીસ સેવા (IPS) તાલીમાર્થી મહિલા અધિકારી અનુ બેનીવાલનું લોકેશન ટ્રેસ કરનાર આરોપીની ગ્વાલિયરમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી લગભગ એક મહિનાથી માઈનીંગ માફિયાના વોટ્સએપ ગ્રુપમાં ટ્રેઈની આઈપીએસની હિલચાલની માહિતી શેર કરતો હતો.
જિલ્લાના બિજૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે તૈનાત ટ્રેઈની આઈપીએસ અનુ બેનીવાલે જણાવ્યું કે, હું લગભગ 25 દિવસથી સતત મારી કારની નજીક એક સ્વિફ્ટ કાર જોતી હતી. જ્યારે સોમવારે રાત્રે હું રૂટીન ચેકીંગ માટે નીકળી ત્યારે ફરી એ જ કાર મને પોલીસ સ્ટેશનની બહાર જોવા મળી હતી. જ્યારે મને શંકા ગઈ, ત્યારે મેં પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલને તે કાર ચાલકની પાસે મોકલ્યો, બંને વચ્ચે થોડી વાતચીત થતાં કાર સવારે કોન્સ્ટેબલનો કોલર પકડી લીધો હતો.
આ જોઈ અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને કાર સવારને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીની ઓળખ મુરેના જિલ્લાના જૌરાના રહેવાસી આમિર ખાન તરીકે થઈ હતી. આમિર ખાન વોટ્સએપ પર ‘લોકેશન’ નામના ગ્રુપનો એડમિનિસ્ટ્રેટર છે અને તે મારા સંબંધિત દરેક લોકેશન માઈનિંગ માફિયાઓને મોકલતો હતો. આટલું જ નહીં માઈનીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી પાસે પોતાના 9 ડમ્પર પણ છે. આરોપી વિરુદ્ધ બીજૌલી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 353 અને 186 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. વધુ તપાસ દરમિયાન જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ કલમો વધારવામાં આવશે.
તે માફિયાઓ માટે કામ કરે છે
ગ્વાલિયર ગ્રામ્યના બિજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતી ખનન સંબંધિત ધંધો છે. તાલીમાર્થી IPS અનુ બેનીવાલ આ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ છે. તાજેતરમાં જ તેઓએ ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત ડઝનેક વાહનો પર કાર્યવાહી કરી છે. આનાથી ગભરાઈને ખાણ માફિયાઓએ ડમ્પરના માલિક આમિર ખાનને કડક પોલીસ અધિકારીનું લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપ્યું હતું, પકડાયેલા આરોપીઓ ઘણા મોટા ખુલાસા પણ કરે તેવી શક્યતા છે.
ભિંડ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષની ઓફિસમાં જુગાર
અગાઉ તાલીમાર્થી IPS અનુ બેનીવાલે બિજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેકે ગ્રુપ એન્ડ ડેવલપર્સની ઓફિસમાં જુગાર રમતા લોકોને ઝડપ્યા હતા. આ પ્રોપર્ટી ડીલિંગ ઓફિસ ભિંડ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ માનસિંહ કુશવાહાની છે. મહિલા IPSના આ પગલાથી સમગ્ર ચંબલ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન રાજકીય પ્રભાવશાળી લોકો ધાબળો ઓઢીને ભાગી ગયા હતા, પરંતુ પોલીસે તેમને તાત્કાલિક પકડીને લોકઅપમાં બંદ કર્યા હતા. આ દરમિયાન પોલીસે 15 જુગારીઓની ધરપકડ કરી હતી. સ્થળ પરથી 2 લાખ 59 હજાર 410 રૂપિયા મળી આવ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ રાજકીય જગતના મોટા દિગ્ગજોએ પોલીસ પર દબાણ ;આગવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આઈપીએસ અધિકારીએ કોઈની વાત ન સાંભળી અને પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : ચૂંટણી રંગોળી: રાજસ્થાનની 12 લોકસભા સીટના ઉમેદવારોનો અજીબોગરીબ સંયોગ, કેટલાકની ઉંમર સરખી છે તો…