અકસ્માતો અટકાવવા ડીસાના યુવકની આ ‘ઉત્તમ’ કામગીરી બધાએ અનુસરવી જોઇએ
પાલનપુર : તહેવારોના સમયમાં રખડતાં પશુઓના કારણે થતા અકસ્માતોને ટાળવા માટે ડીસાના એક યુવકે રખડતાં પશુઓને રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા અને રાત્રિના સમયે થતાં અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી રખડતાં પશુઓના કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાત્રિના સમયે રોડ પર પશુઓ ન દેખાતાં ડીસા શહેરમાં જ છેલ્લા એક મહિનામાં 5 જેટલા વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે દિવાળીના તહેવારોના સમયમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોને અટકાવવા માટે ઉત્તમભાઈ માળીએ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે.
ડીસા રાણપુર રોડ પણ તહેવારમાં લોકોની અવર-જવર વધુ હોવાના કારણે અકસ્માતો થવાની સંભાવનાઓ વધુ છે. જેથી આજે પડતર દિવસના વહેલી સવારથી જ ઉત્તમભાઈ માળીએ રખડતાં પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવાની શરૂઆત કરી હતી અને પાંચ કલાકમાં 50 જેટલા રખડતા પશુઓના ગળે રેડિયમ બેલ્ટ બાંધ્યો હતો. જેથી રાત્રિના સમયે રસ્તા પર રખડતાં પશુઓ રેડિયમના કારણે દેખાય અને અકસ્માતોને ટાળી શકાય. ઉત્તમભાઈની આ ઉત્તમ કામગીરીનું અનુકરણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં થવું જોઇએ.
આ પણ વાંચો : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો 15મી નવેમ્બરે ગુજરાત સહિત દેશવ્યાપી પ્રારંભ