મધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

‘To my little friend’ : મહંતસ્વામી મહારાજની બાળકોને શતાબ્દિ મહોત્સવની એક અનોખી ભેટ

એવું કહેવાય છે કે ‘બાળક એટલે ઈશ્વરે માનવજાતને લખેલો પ્રેમપત્ર.’ પરંતુ દુઃખની વાત એ છે કે આપણને આ પ્રેમપત્ર વાંચતા આવડતું નથી. બાળકોને સમજાવવાના પ્રયાસો બહુ થાય છે પરંતુ બાળકોને સમજવાના પ્રયાસો થતા નથી. મહંતસ્વામી મહારાજ બાળકોને બહુ જ સારી રીતે સમજે છે એટલે એ જાણે છે કે બાળકોના મનમાં અગણિત સવાલો છે. પરંતુ એમને સવાલો પૂછવાનો મોકો આપવામાં આવતો નથી અને મનના સવાલો મનમાં જ રહી જાય છે. મહંતસ્વામી મહારાજ જ્યારે 2020માં નેનપુર હતા ત્યારે એમણે નક્કી કર્યું કે બાળકો મને જે પૂછવા ઈચ્છતા હોય એ પૂછવાની તેમને તક આપવી જોઈએ. બાળકો પણ ઘણું પૂછવા માંગતા હશે પરંતુ બધા મારા સુધી ન પહોંચી શકતા હોય તો સામેથી બાળકોના સવાલો જાણવા છે અને બહુ સરળ ભાષામાં બાળકોના આ સવાલોના જવાબો આપવા છે.

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ- Humdekhengenews

આ માટે બીએપીએસ સંસ્થાના બાળપ્રવૃત્તિ વિભાગ દ્વારા બાળકો મહંતસ્વામી મહારાજને શું પૂછવા માંગે છે એ જાણવા માટે એક પ્રોજેક્ટ હાથ પર લીધો. જેમાં બાળપ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયની ટીમે ગુજરાત રાજ્યના જુદા જુદા ઝોનમાં જઈને બાળકો સાથે બેઠકો કરી અને બાળકો મહંતસ્વામી મહારાજને શું પૂછવા માંગે છે એની માહિતી મેળવી. ગુજરાત ઉપરાંત પરપ્રાંતના બાળકો સાથે ઝૂમ મિટિંગ કરીને એ બાળકોના પ્રશ્નો પણ સાંભળ્યા. બાળકો મહંતસ્વામી મહારાજને જે પ્રશ્નો પૂછવા માંગતા હતા એમનાથી સર્વસામાન્ય 26 પ્રશ્નો અલગ તારવવામાં આવ્યા.

આ પણ વાંચો : ડિવાઇન ડિઝનીલેન્ડ સમાન બાળનગરીના બાળકોને મહંતસ્વામી મહારાજે આપી લંડનની આ ખાસ ભેટ

મહંતસ્વામી મહારાજે આ 26 પ્રશ્નોના જવાબ આપવાના હતા. બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ નાના બાળકોના પ્રશ્નોના જવાબ આપે એ ઘણાને આશ્વર્યજનક ઘટના લાગે. પરંતુ એનાથી પણ મોટું આશ્વર્ય એ છે કે સ્વામીજીએ બાળકોના આ સવાલના જવાબ બાળકોની ભાષામાં જ આપ્યા છે. અત્યારની પેઢીને લાંબી લાંબી વાતો ગમતી નથી એ મહંતસ્વામી મહારાજ સારી રીતે સમજે છે એટલે બધા પ્રશ્નોના જવાબ સાવ ટૂંકમાં આપ્યા છે. કેટલાક પ્રશ્નોના જવાબમાં એક શબ્દ પણ લખ્યા વગર માત્ર સુંદર ચિત્ર દોરીને અસરકારક જવાબ આપ્યા છે. બાળકોના અત્યંત મહત્વના સવાલોના જવાબ થોડા શબ્દો કે એકાદ બે વાક્યમાં આપ્યા.

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ- Humdekhengenews

બધા પ્રશ્નોના જવાબ મહંતસ્વામી મહારાજે પોતાના સ્વહસ્તાક્ષરથી જ લખ્યા છે. અમુક પ્રશ્નોના જવાબ તો તેઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે લખ્યા છે. પ્રશ્નોના જવાબ વાંચો તો હસ્તાક્ષર જોઈને જ ખબર પડી જાય કે આ પ્રશ્નોના જવાબ સ્વામીબાપા હોસ્પિટલમાં હશે ત્યારે લખ્યા હશે. નાદુરસ્ત તબિયત અને શારીરિક તકલીફ એમના હસ્તાક્ષરમાં પણ સ્પષ્ટપણે દેખાય છે પરંતુ મહંતસ્વામી મહારાજ માટે આરામ કરતા પણ બાળકોના સવાલ વધુ અગત્યના હતા. બાળકોને ચિત્રો વધુ ગમે એટલે મોટા ભાગના સવાલોના જવાબો આપવા માટે ચિત્રો દોર્યા છે. બાળકોને ગમે એવા 22 જેટલા ચિત્રો પણ મહંતસ્વામી મહારાજે પોતે જ દોર્યા છે. પ્રશ્નોના જવાબ આપવા અને ચિત્રો દોરવા ઉપરાંત બાળકોને મજા પડી જાય એવી પાંચ નાની નાની બોધપ્રદ વાર્તાઓ પણ મહંતસ્વામી મહારાજે જાતે જ લખી છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ- Humdekhengenews

પ્રમુખસ્વામી મહારાજને પણ બાળકો ખુબ વ્હાલા હતા આથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે બાળકોના મનમાં ઉદભવતા પ્રશ્નોના વિશિષ્ટ રીતે અપાયેલા જવાબોના સંકલનની એક પુસ્તિકાબહાર પાડવામાં આવી છે. મહંતસ્વામી મહારાજને બાળકોને પોતાના પ્રિય મિત્ર સમજે છે એટલે આ પુસ્તિકાનું નામ પણ ‘My little friend’ રાખવામાં આવ્યું છે. આ પુસ્તક તૈયાર કરવાનો કોન્સેપટ મહંતસ્વામી મહારાજનો હતો, લેખક પણ તેઓ જ છે, સંપાદક પણ તેઓ જ છે, ડિઝાઈનર પણ તેઓ જ છે, ચિત્રકાર પણ તેઓ જ છે. વિશ્વનું આ કદાચ પહેલું એવું પુસ્તક હશે જે એક વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુએ એના બાળશિષ્યો માટે લખ્યું હોય અને જેના કોન્સેપટ ક્રીયેટર, લેખક, સંપાદક, ડિઝાઈનર અને ચિત્રકાર એક જ હોય. આ પુસ્તિકામાં અપાયેલા પ્રશ્નોના જવાબો બાળકોને પ્રેરણા સાથે પ્રોત્સાહન આપે એવા અત્યંત સરળ અને રસપ્રદ હોવાથી આ પુસ્તક બાળકો માટેની મહંતસ્વામી મહારાજની એક ઉત્તમ ભેટ સાબિત થશે.

Back to top button