જાણવા જેવું.. ’95થી ’97માં ભાજપના કાર્યકરો હજુરીયા, ખજુરીયા અને મજુરીયા તરીકે ઓળખાતા !
ગુજરાતની પ્રજાએ અનેક ચડતી પડતી અનેક કુદરતી આફતો જોઇ છે અને છતાં આ રાજ્યની પ્રજા ફરીથી બેઠી થઇ છે. પણ, આવી કુદરતી કે માનવ સર્જીત આપતીઓ વચ્ચે રાજકીય ભવાઇ પણ અનુભવી છે. એવું કહેવાય છે કે સત્તા પરિવર્તન માટે ગુજરાત હંમેશા એપી સેન્ટર રહ્યું છે. જો કેન્દ્ર સરકારમાં સત્તાનું પરિવર્તન થયું હોય હોય તો તેમાં ગુજરાતનો મહત્વનો હિસ્સો રહ્યો છે અને જો રાજ્યમાં સત્તા પરિવર્તન થયું હોય તો એ માટે સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના નેતાઓ એપી સેન્ટરમાં રહ્યા છે. ગુજરાતમાં 1960થી 1995 સુધી સળંગ સાડાચાર દાયકા કોંગ્રેસના શાસન પછી 1995માં ભાજપ સત્તા પર આવ્યું અને રાજકીય ભવાઇ શરૂ થઇ હતી. આ ભવાઇ એટલી પ્રચલિત બની ગઇ હતી કે ભાજપના કાર્યકરોએ તેની અસલી ઓળખ ગુમાવી દીધી હતી અને હજુરીયા, ખજુરીયા અને મજુરીયા તરીકે ઓળખાવા લાગ્યા હતા ! આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે પણ સત્ય હકિકત છે. 1995 પછી થયેલી રાજકીય ઉથલપાથલના સાક્ષી રહેલા અનેક અનુભવી રાજકારણીઓ આ વાત સારી રીતે જાણે છે. ભાજપના કાર્યકરોને શા માટે હજુરીયા, ખજુરીયા અને મજુરીયા કહેવાતા હતા એ વાત પણ જાણવા જેવી છે.
શું છે હજુરીયા, ખજુરીયા અને મજુરીયા ?
વાત જાણે એમ બની હતી કે, માર્ચ 1995માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 121 સીટ સાથે વિજય થતાં કેશુભાઇ પટેલને સિનીયર નેતા તરીકે મુખ્યમંત્રીપદ સોંપાયું. પણ, પછી ભાજપના અનેક પાયાના કાર્યકરો અને ભાજપને જીતાડવા માટે રાત દિવસ પરસેવો પાડનારા કાર્યકરોને એમ હતું કે તેઓને બોર્ડ નિગમમાં કે અન્ય કોઇ સમિતિઓમાં હોદ્દા આપીને તેમની મહેનતનું ફળ અપાશે. પણ, કેશુભાઇના શાસનમાં 42 બોર્ડ નિગમોના ચેરમેનોની નિયુક્તિ થઇ તેમાં પક્ષના પાયાના અને સિનિયર આગેવાનો, કાર્યકરોની બાદબાકી કરીને નવા ચહેરાઓને તક અપાઇ.
કાર્યકરોની ઉપેક્ષાની તક શંકરસિંહે ઝડપી લીધી
બીજીબાજુ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતિ મળ્યા છતાં આગેવાનો અને કાર્યકરોની સતત ઉપેક્ષા ચાલું રાખવામાં આવી હતી. આથી અસંતોષ વધતો ગયો અને કેશુભાઇ સરકારને ઉથલાવવાની તક ભાજપના જ સિનીયર નેતા શંકરસિંહ વાઘેલાએ ઝડપી લીધી. કેશુભાઇ પટેલ સામે બળવો કરીને વાઘેલા 40થી વધુ અસંતુષ્ઠ ધારાસભ્યોને ખજુરાહો લઇ ગયા અને, સંગઠ્ઠીત પક્ષ ગણાતાં ભાજપમાં જ આવી રીતે તડાં પડતાં અટલ બિહારી બાજપાઇને દિલ્હીથી ગાંધીનગર દોડી આવવું પડ્યું અને કેશુભાઇને બહુમતિ સાબીત કરી આપવાનું કહેવાયું.
બહુમતી સાબિત કરવા છતાં મુખ્યમંત્રી પદેથી કેશુભાઈએ રાજીનામુ આપ્યું
કેશુભાઇએ વિધાનસભાના ફ્લોર પણ બહુમતિ સાબીત તો કરી દીધી છતાં પણ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. આ પછી રાજકીય ભવાઇનો બીજો અંક શરૂ થયો. કેશુભાઇ નહીં તો મુખ્યમંત્રીપદે કોણ ? ખજુરાહોમાં મોજમજા કરી આવેલા અસંતુષ્ઠ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવાના મતમાં હતા. પણ કેશુભાઇ તરફી જૂથ શંકરસિંહનો વિરોધ કરતું હતું. વળી, વિધાનસભાના ફ્લોર પર કેશુભાઇએ બહુમતિ સાબિત કરી દીધી હતી. આથી, પોતે મુખ્યમંત્રી બનશે તો પણ લાંબો સમય સત્તા પર ટકી નહીં શકે તેમ માનીને તેઓએ મુખ્યમંત્રીપદ માટે કાશીરામ રાણાનું નામ સુચવ્યું. આ સામે પણ વિરોધ થયો અને આખરે સુરેશભાઇ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા. સુરેશભાઇ મહેતાએ અગિયાર માસ એટલે કે જૂલાઇ ’96 સુધી મુખ્યમંત્રીપદ સંભાળ્યું. પણ, આ સમય દરમિયાન ભાજપની પરિસ્થિતિ એટલી ડામાડોળ હતી કે, રીતસરના ત્રણ જૂથ પડી ગયા હતા. કેશુભાઇ પટેલને ટેકો આપનારૂં જૂથ હજુરીયા તરીકે, શંકરસિંહ વાઘેલાને ટેકો આપનારૂં જૂથ ખજુરીયા તરીકે અને માત્ર ભાજપને જ વફાદાર રહીને પક્ષની નીતિ મુજબ કામ કરનારા કાર્યકરો મજુરીયા તરીકે ઓળખાતા હતા.
રાજ્યસભા બાદ લોકસભા ચૂંટણીમાં પણ વાઘેલાને પછડાટ મળી
આ દરમિયાન રાજ્યસભાની ચૂંટણી આવી. મુખ્યમંત્રીપદથી વંચિત રહેલા શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીપદને બદલે રાજ્યસભામાં જવાની તૈયારી બતાવી. પણ કેશુભાઇ પટેલ અને તોગડિયા જૂથે તેનો વિરોધ ર્ક્યો અને શંકરસિંહને રાજ્યસભાની ટિકિટમાંથી પણ હાથ ધોવા પડ્યા. આ પછી, એપ્રિલ ’96માં લોકસભાની ચૂંટણી આવી. તેમાં ખજુરીયા ધારાસભ્યોની ટિકિટ કપાઇ ગઇ. રાજકોટમાં એ સમયે ડો. વલ્લભભાઇ કથીરીયાને ટિકિટ અપાઇ હતી. શંકરસિંહ વાઘેલાએ અમદાવાદ ગાંધીનગર બેઠકની ટિકિટની માગણી કરી ત્યારે હાઇકમાન્ડે આ બેઠક પરથી અડવાણી ચૂંટણી લડવાના હોવાનું કહીને વાત ટાળી દઇ ગોધરા બેઠકની ટિકિટ આપી. પણ, અડવાણી સામે એક કેસ ચાલતો હોય તેઓએ કાયદાને માન આપીને ચૂંટણી લડવાની જ ના પાડી દીધી. આખરે અટલ બિહારી બાજપાઇ દિલ્હી અને ગાંધીનગર એમ બે બેઠક પરથી ચૂંટણી લડ્યા. પક્ષમાં અસંતોષને કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ચાર બેઠકોનું નુકસાન ગયું.
વાઘેલાએ પક્ષ સાથે છેડો ફાડયો
1991ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની 26 બેઠકમાંથી 21 બેઠક મળી હતી તો 1996માં માત્ર 16 બેઠક જ મળી. અરવિંદ ત્રિવેદી (લંકેશ), શંકરસિંહ વાઘેલા, કિશોરસિંહ ચૌહાણ સહિત ચાર નેતાઓ પણ ચૂંટણી હારી ગયા હતા. આથી, ભાજપે જ તેમને હરાવ્યા છે તેમ માનીને શંકરસિંહે પક્ષ સાથે છેડો ફાડવાનું નક્કી કરી લીધું. તેમણે ફરીથી ધારાસભ્યોને ભેગા કરવા માંડ્યા. એ સમયે કેન્દ્રમાં પણ રાજકીય ઉથલપાથલ વચ્ચે દેવગૌડાની સરકાર અને મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર હતી. ગુજરાત વિધાનસભામાં સ્પીકર ભાજપના અને ડે. સ્પીકર કોંગ્રેસના હતા. પણ, સ્પીકરની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓ હોસ્પિટલમાં સાારવાર લઇ રહ્યા હતા. આવા સંજોગોમાં સુરેશ મહેતા સરકાર સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજુ થયો. બહુમતિ સાબિત કરવા 91 ધારાસભ્યોની સભ્ય સંખ્યાને બદલે 93 ધારાસભ્યોએ સુરેશ મહેતા સરકારને ટેકો જાહેર ર્ક્યો છતાં સુરેશ મહેતાએ રાજીનામું આપવું પડ્યું.
110 ધારાસભ્ય સાથે બાપુ પોતે સીએમ બની ગયા
શંકરસિંહ વાાઘેલાએ મુખ્યમંત્રી બનવા માટે ભાજપ રાજપા અને કોંગ્રસના ધારાસભ્યોને ભેગા કરીને 110ની સંખ્યા કરી મુખ્યમંત્રી બન્યા. પણ તેઓ ધારાસભ્ય નહોતા. આથી ’97માં રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડીનેે વિજેતા બન્યા. બાપુએ મહત્વપુર્ણ નિર્ણયો લઇ રહેમરાહે નોકરીની શરૂઆત કરાવતાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. શંકરસિંહ વાધેલા મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ કેટલાંક મહત્વપુર્ણ અને ગુજરાતની પ્રજાના હિતમાં નિર્ણયો લેવાનું શરૂ ર્ક્યું. તેઓએ ગુજરાતમાં વધુ છ જિલ્લાની જાહેરાત કરી. આવી જ રીતે નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કે બીમારી સબબ નોકરી છોડી દેનારા રાજ્ય સરકારના 13 હજાર કર્મચારીઓના પરિવારના સભ્યો માટે આવકની મર્યાદા દુર કરીને રહેમરાહે નોકરી આપવાન મહત્વપુર્ણ નિર્ણયોની જાહેરાત કરી.
આખરે કોંગ્રેસે બાપુનો આપેલો ટેકો ખેંચી લીધો
બાપુના આવા પ્રજાકિય નિર્ણયોથી દેવગૌડા સરકારના પેટમાં તેલ રેડાયું અને, જો આમને આમ ચાલશે તો ગુજરાતમાં કોંગ્રેસનું કાયમ નામું નખાઇ જશે એવા ડરથી બાપુ સામે રાજકીય વિવાદ ઉભો કરીને ટેકો પાછો ખેંચી લીધો અને બાપુના સ્થાને ડિસેમ્બર ’94માં દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. તેઓને પણ એપ્રિલ 97માં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય દિલીપભાઇ પરીખની સરકાર કેર ટેકર સરકાર તરીકે કામ કરતી રહી હતી. આ પછી સતત ભાજપ સરકાર સત્તા પર છે.