મતદાનની ટકાવારી વધારવા EC ટેક્નોલોજી ભણી, બૂથ એપથી વોટર્સને મળશે અનેક સુવિધાઓ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસ કર્યા છે. જે અંતર્ગત ચૂંટણી પંચે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર પણ ભાર આપ્યો છે. આ અંતર્ગત ગુજરાતની ચૂંટણી દરમિયાન રાજ્યમાં પહેલીવખત બુથ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ એપ્લિકેશનનો ઉપયોગ કરાયો હતો.
બૂથ એપના ઉપયોગથી સમય બચશે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ એપનો ઉપયોગ સરળ અને સુવિધાજનક છે. આ એપ દ્વારા મતદાર તેમના ટોકન નંબર મુજબ જ્યારે તેમનો નંબર આવે ત્યારે અનુકૂળતાપૂર્વક મતદાન કરી શકે છે. મતદારોને મતદાન મથક પર લાગેલી લાઈનો વિશે વધારે ખબર હોતી નથી અને લાંબી લાઈનોના કારણે યુવા મતદારોને નિરાશ થઈ જાય છે. જેથી આ એપની મદદથી મતદાર ઓનલાઈન જાણી શકશે કે બૂથ પર લાઈન છે કે નહીં.
કેટલું વોટિંગ થયું તે આંકડા ઝડપથી મળશે
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બૂથ એપ દ્વારા મતદાનના દિવસે મતદાન કેન્દ્રોમાં મતદાનની ટકાવારીની માહિતી રિયલ ટાઈમમાં મળી જશે. આ એપ દ્વારા એ પણ સરળતાથી જાણી શકાશે કે કેટલા પુરૂષ અને કેટલા મહિલા મતદારોએ મતદાન કર્યું છે. એપ પર દર કલાકે વોટિંગ આંકડા અપડેટ થશે.
મતદારોને સરળતાથી ઓળખી શકાશે
બૂથ એપ દ્વારા મતદાન મથકમાં મતદારોને સરળતાથી ઓળખી શકાશે. આ એપ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આ એપનો ઉપયોગ ખૂબ જ સરળ અને સુવિધાજનક છે.
ઝારખંડ ચૂંટણી દરમિયાન લૉન્ચ કરાઈ હતી APP
બૂથ એપનો ઉત્તરપ્રદેશના હમીરપુરના 5 મતદાન કેન્દ્રો, મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ એમ ત્રણ રાજ્યોના 3 વિધાનસભા મતવિસ્તારો જેવા કે સમસ્તીપુર, કસ્બા પેઠ અને ફગવાડામાં પ્રાયોગિક રીતે ઉપયોગ કરાયો હતો. અને જે બાદ નવેમ્બર 2019માં ઝારખંડના 10 વિધાનસભા મતવિસ્તારોમાં આ એપને લૉન્ચ કરવામાં આવી હતી.