વરસાદી પાણીના નિકાલ માટે ડોડગામના તિર્થગામમાં તળાવની પાળ, તો ડેડાવામાં રોડ તોડાયો
પાલનપુર:- બનાસકાંઠા જિલ્લાના સરહદી પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાવ તાલુકામાં ભારે વરસાદના પગલે તીર્થગામના પ્લોટ વિસ્તારમાં આવેલા 50 થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રહીશો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના ભરાયેલા પાણીનો બીજા તળાવમાં નિકાલ કરવા માટે તળાવનો પાળો તોડવામાં આવ્યો હતો. જો કે તેની સામે આવેલી ગૌશાળા માં પાણી ઘૂસી જવાની ભીતિના પગલે ગામ લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. અને તળાવ ના પાળાને ખોટી રીતે તોડવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે મામલતદાર એ જણાવ્યું હતું કે, 50 ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી તે પાણી તળાવ તરફ જઈ રહ્યું હતું. તેના માટે સરપંચ અને તંત્રએ સંકલન માં રહી પાળો તોડવામાં આવ્યો છે. જેથી બાજુમાં રહેલ ખાલી તળાવમાં પાણી જઈ શકે.અને પાળો તોડવાથી અને પાણીના નિકાલથી ગામને કોઈ નુકસાન થાય તેમ નથી. તેવી સ્પષ્ટતા ગામ લોકો સમક્ષ કરી હતી.
આ પણ વાંચો : સાબરકાંઠાના રાજ શાહે શરીર માટે ફાયદાકારક કાંટાળી વનસ્પતિમાંથી કેવી રીતે બનાવ્યા જામ અને જ્યુસ?
જ્યારે વાવ તાલુકામાં પડેલા ચાર ઇંચ વરસાદ ને કારણે ઠેર- ઠેર પાણી ભરાયા હતા. જેમાં ડેડાવા ગામમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું. આ પાણીના નિકાલ માટે પણ ગામ લોકો દ્વારા ડેડાવા રોડ ને જેસીબી મશીનની મદદ વડે તોડી ને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ વરસાદી પાણીના ભરાવવાના કારણે તળાવનો પાળો અને રોડ તોડીને વરસાદના પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.