રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરવા બદલ ટીએમસી સાંસદ ફસાયા, ફરિયાદ દાખલ
- TMC સાંસદને રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રિ કરવી ભારે પડી શકે છે.
- મિમિક્ર કરવા બદલ સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ.
- અભિષેક ગૌતમ નામના વ્યક્તિએ પોલીસને લેખિત ફરિયાદ આપી.
દિલ્હી, 20 ડિસેમ્બર: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રી કરવા બદલ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર પ્રહારો થયા છે. આ દરમિયાન દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિષેક ગૌતમ નામના વ્યક્તિએ પોલીસને લેખિત ફરિયાદ આપી સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
માહિતી આપતા ડીસીપી દક્ષિણે કહ્યું કે, એક વકીલે સંસદમાં રાજ્યસભા અધ્યક્ષની બદનક્ષીનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે. તેમને કહેવામાં આવ્યું હતું કે આ મામલો નવી દિલ્હી જિલ્લા સાથે સંબંધિત છે, પરંતુ તેઓ સંમત ન થયા, ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને નવી દિલ્હી જિલ્લામાં મોકલવામાં આવી રહી છે.
ક્યારે કરી TMC સાંસદે રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રિ ?
શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગાંધી પ્રતિમા સામે ધરણા પર પણ બેસી ગયા હતા. આ પછી તેઓ સંસદના પ્રવેશદ્વાર પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા. તે જ સમયે TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રી કરી હતી અને રાહુલ ગાંધીએ તેમનું રેકોર્ડિગ કર્યું હતું. મિમિક્રીનો વીડિયો જગદીપ ધનખરે જોયા બાદ સાંસદ પર ગુસ્સે થયા.
મિમિક્રિનો વીડિયો
#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/naabLIzibY
— ANI (@ANI) December 19, 2023
ઘટનાને શરમજનક ગણાવતા રાજ્યસભા અધ્યક્ષએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અસ્વીકાર્ય છે. એક મોટા નેતા તેનો વીડિયો બનાવી રહ્યા છે. તેમને સદબુદ્ધિ આવે”. તેમણે વધુમાં કહ્યું કે “ક્યાંક તો બક્શો.”
બંને ગૃહોમાંથી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષ બંને ગૃહોમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ માંગને લઈને વિપક્ષી સાંસદોએ બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. આ હંગામા પછી 14 ડિસેમ્બરે TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને રાજ્યસભામાં શિયાળુ સત્ર માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે કેટલાક સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી બંને ગૃહોના 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડેડ સાંસદો માંગ કરી રહ્યા છે કે, ‘જે ભાજપના સાંસદના પાસ દ્વારા હુમલાખોરો (સ્મોક એટેક) સાંસદમાં ઘૂસ્યા હતા તે સાંસદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ સરકાર ફક્ત અમારી સામે જ કાર્યવાહી કરી રહી છે’. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે જગદીપ ધનખરને પત્ર પણ લખ્યો હતો.
આ પણ વાંચો: મમતા બેનરજીએ ખડગેને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો