પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMC ના નેતા સૈફુદ્દીન લસ્કરની હત્યા
- TMC એ હત્યાનો આરોપ માર્ક્સવાદી પાર્ટી ઉપર લગાવ્યો
- બંને આરોપીઓને પકડીને લોકોએ માર મારતા એકનું મૃત્યુ થયું
જોયનગર: દક્ષિણ 24 પરગણાના જોયનગર વિસ્તારમાં બે બદમાશોએ તૃણમૂલ કોંગ્રેસના નેતા સૈફુદ્દીન લસ્કર પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન નજીકમાં હાજર ભીડે બંને આરોપીઓને પકડી લીધા અને તેમને માર મારવા લાગ્યા.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ટોળાએ ટીએમસી નેતાની હત્યા કરીને ભાગી રહેલા બદમાશો પર હુમલો કર્યો અને બે આરોપીઓમાંથી એકને માર માર્યો. જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ પોલીસે એક આરોપીને ભીડમાંથી બચાવી લીધો છે, જેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ અંગે વાત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ ગુનો કબૂલી લીધો છે.
કોને દોષ આપ્યો?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે લસ્કરના સમર્થકોએ કથિત હુમલાખોરોમાંથી એકને પકડીને ઢોર માર માર્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયુ હતું. લસ્કરની પત્ની પંચાયતના વડા છે. સ્થાનિક ટીએમસી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે લસ્કરની હત્યા પાછળ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોનો હાથ છે.
ત્યારબાદ, આસપાસના વિસ્તારોમાંથી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોએ દાવો કર્યો હતો કે આ ઘટના બાદ લસ્કરના સમર્થકોએ તેમના ઘરોમાં તોડફોડ કરી અને કેટલાક ઘરોને આગ લગાવી દીધી હતી.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ શું કહ્યું?
માર્ક્સવાદી ક્મ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના સભ્ય સુજન ચક્રવર્તીએ કહ્યું કે, દરેક મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસે હત્યારાઓને પકડવા અને ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે યોગ્ય તપાસ કરવી જોઈએ.પાર્ટીના સમર્થકો પર લાગેલા આરોપને નકારી કાઢતાં તેમણે કહ્યું કે, સૈફુદ્દીન લસ્કરની હત્યા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદનું પરિણામ છે, અમારી પાર્ટીને દોષ આપવાનો કોઈ અર્થ નથી.
આ પણ વાંચો, અલ્લુ અર્જુને દીકરી અરહા સાથે દિવાળીની ઉજવણી કરી, જુઓ વીડિયો