ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

TMCના કોંગ્રેસમાં વિલય માટે મમતા બેનર્જી તૈયાર! રાહુલ ગાંધી સમક્ષ અભિષેક બેનર્જીએ મૂકી આ શરત

TMC Congress merger: કોંગ્રેસમાં ટીએમસીના વિલીનીકરણ અંગે ચર્ચાઓ આગળ વધી છે. એવું લાગે છે કે મમતા બેનર્જી સોનિયા ગાંધીની ઓફર સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેમણે અભિષેક બેનર્જી મારફતે રાહુલ ગાંધી સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી. ટીએમસી નેતાએ માંગ કરી છે કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે, અને તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે. જોકે, આ અંગે કોંગ્રેસ પાર્ટીનો પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો નથી.

સોનિયા ગાંધીએ આપી હતી ઓફર

સોનિયા ગાંધીએ પોતે ફોન કરીને મમતા બેનર્જીને TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સોનિયા ગાંધીએ મમતાને કહ્યું હતું કે જો તેઓ TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરે, તો તેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત, તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ પાર્ટીના મહાસચિવ પદ પર નિયુક્ત કરવામાં આવશે.

મમતા બેનર્જીએ થોડા દિવસનો સમય માંગ્યો હતો

કોંગ્રેસ સંસદીય દળના નેતૃત્વ તરફથી મમતા બેનર્જીને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે BJPના સતત રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દેવું જોઈએ. જો આવું નહીં થાય તો BJP, આમ આદમી પાર્ટીની જેમ TMCને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. વધુમાં, તેમના પક્ષના આંતરિક સભ્યો પણ અભિષેક બેનર્જીની વિરુદ્ધ છે, જેના કારણે તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ અંગે અંતિમ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માગ્યો હતો.

રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે દોઢ કલાક બેઠક ચાલી

TMCના કોંગ્રેસમાં વિલીનીકરણની અટકળોને ત્યારે વધુ બળ મળ્યું, જ્યારે ટીએમસીના વડા મમતા બેનર્જી છેલ્લા બે દિવસમાં (8 અને 9 જૂન) સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે બે વાર મળ્યા. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યો માહોલ જોવા મળ્યો હતો. મમતા બેનર્જી અને સોનિયા ગાંધીએ એકબીજાને ભેટીને અભિવાદન પણ કર્યું હતું. આ મુલાકાતો બાદ આજે રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. 10 જનપથ ખાતે થયેલી આ બેઠક અંદાજે દોઢ કલાક સુધી ચાલી હતી.

આ પણ વાંચો: ‘નેહરુના સમયમાં અને આજે ઘણો ફરક છે’, પીએમ મોદીની સિદ્ધિ પર રાઘવ ચઢ્ઢાનું નિવેદન

Back to top button