11 મે અમદાવાદ: IPL 2024 હવે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. ટોચની 6 ટીમો માટે હવે દરેક મેચ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. આ તમામ ટીમો પાસે હવે બે-બે મેચો રમવાની બાકી છે જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પણ સામેલ છે. ગઈ રાત્રે ગુજરાત સામે ચેન્નાઈની હાર થઇ તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન થયું છે તે જાણવાની ઇન્તેજારી તમામને છે.
ગુજરાતે પહેલાં બેટિંગ કરતાં કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની સેન્ચુરીઓની મદદથી 231 રનનો પડકારરૂપ સ્કોર ઉભો કર્યો હતો. આ બંને બેટ્સમેનો પોતપોતાની સેન્ચુરી કર્યા બાદ તરત આઉટ થઇ ગયા હતા. તેમની બાદ બેટિંગમાં આવેલા ડેવિડ મિલર અને શાહરૂખ ખાનથી બાકીની ઓવરમાં આવીને તરતજ ફટકાબાજી થઇ શકી ન હતી, નહીં તો ગુજરાત સામે ચેન્નાઈની હાર વધુ મોટી હોત.
ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી અને ફક્ત 10 રનમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સહિત તેમની ત્રણ વિકેટો પડી ગઈ હતી. મોટા સ્કોરનો પીછો કરતી વખતે જો આ રીતે પાવર પ્લેમાં જ ટીમની ત્રણ વિકેટ પડી જાય તો પછી જીત મેળવવી અઘરી બની જાય છે અને ચેન્નાઈ સાથે પણ એવું જ થયું હતું.
શરૂઆતની ફટાફટ પડેલી ત્રણ વિકેટ બાદ ડેરિલ મિચલ અને મોઈન અલીએ ટીમના રનચેઝની ગાડી પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના આઉટ થયા બાદ ચેન્નાઈ માટે જીત બિલકુલ અશક્ય બની ગઈ હતી. લગભગ 18મી ઓવરમાં જ હાર નિશ્ચિત થઇ ગયા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ શોટ્સ મારવાના શરુ કર્યા હતા પરંતુ તેનાથી જીત તો ન મળી પરંતુ ચેન્નાઈનો નેટ રનરેટ જે હજી ખરાબ થઇ શકતો હતો તે ન થયો.
ચેન્નાઈને મોટી હાર મળ્યા છતાં તેનો નેટરેટ હજી પણ પોઈન્ટ્સ ટેબલમાં પોતાની ઉપર રહેલી બે ટીમો એટલેકે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ કરતાં બહેતર છે. ચેન્નાઈ આ મેચ હારી જતાં હજી પણ ચોથા સ્થાને છે. ગુજરાતની જીતથી જો સહુથી વધુ ફાયદો મળ્યો હોય તો તે છે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને.
આ ટીમોમાંથી પહેલી બે ચેન્નાઈ સાથે જ 12 પોઈન્ટ્સ પર છે જ્યારે બેંગલુરુના 10 પોઈન્ટ્સ છે. આવામાં આવનારી મેચોમાં આ ત્રણ ટીમો માટે જીત જરૂરી બની જાય છે. બેંગલુરુ માટે પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવું અઘરું છે પરંતુ આઉટ સાઈડ ચાન્સ જરૂર છે, જો તે પોતાની બાકીની તમામ મેચો ઊંચા માર્જીનથી જીતી જાય. આ મેચોમાં ચેપોક ખાતે ચેન્નાઈ સામેની મેચ પણ સામેલ છે.