કચ્છમાં હીટવેવની વકી સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં બે દિવસ હીટવેવની વકી સાથે પારો 37 ડિગ્રીને પાર નોંધાયો હતો. તથા અમરેલી-કચ્છમાં પણ કમોસમી વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે. તેમજ આ વખતે રાજ્યના વાતાવરણમા અલગ રીતે પલટો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા
કેશોદમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લીધે રાજ્યમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે. જોકે હજુ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલીમાં આગામી ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ પંથકમાં હજુ બે દિવસ મંગળ અને બુધવારના રોજ હીટવેવની સ્થિતિ રહેવાની પણ આગાહી કરાઈ છે. આજના હવામાન ખાતાના આંકડા મુજબ કચ્છ, કંડલા, રાજકોટ, પોરબંદર અને કેશોદમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોચી ગયો છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ અને કરા પડવાની સાથે સાથે તેજ પવન
ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ અને કરા પડવાની સાથે સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આમ હાલમાં ગરમી, ઠંડી અને વરસાદ ત્રણેય ઋતુ જેવો રાજ્યમાં માહોલ બનતા ઠેરઠેર લોકો બિમાર પણ પડી રહ્યાં છે. જોકે હજુ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, વરસાદની સાથે પ્રતિકલાકે 30થી 40 કિમી.ની ઝડપે પવન ફૂંકાશે.