સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઇંચ વરસાદ
- નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં
- ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં
- રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો
અમદાવાદ, 15 જુલાઈ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.
નદીઓ ગાંડીતુર બની
વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
▶️ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમા ઘોડાપૂર ની સ્થિતિ સર્જાઇ
▶️ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમા ગરકાવ#Dadiyapada #rain pic.twitter.com/RQxgLVMbfv
— DD News Gujarati (@DDNewsGujarati) July 15, 2024
ભરૂચના નેત્રંગમાં પણ બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ
આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ બે કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. તો નર્મદાના ગરૂડેશ્વરમાં પણ સવા પાંચ ઈંચ જયારે નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદાના લાછરસમાં પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાંથી છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
આણંદ, ભરૂચ, વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે. જેમાં આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 29.17 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 37.61, દક્ષિણ ગુજરાતમાં 35.02 ટકા વરસાદ, કચ્છમાં 34.91 ટકા, મધ્ય ગુજરાતમાં 18.95 ટકા અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 18.50 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
આ પણ વાંચો : 1976માં ન્યૂયોર્કમાં જગન્નાથ યાત્રામાં ટ્રમ્પે કરી હતી મદદ, જેને યાદ કરી જુઓ શું કહ્યું ઈસ્કોને?