ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ફિલ્મ દ્વારા વિશ્વને મહાત્મા ગાંધી વિશે જાણવા મળ્યું…’: પીએમ મોદીના દાવા પર કોંગ્રેસનો વળતો પ્રહાર

નવી દિલ્હી, 29 મે : પીએમ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે ગાંધી ફિલ્મ દ્વારા વિશ્વને મહાત્મા ગાંધી વિશે જાણવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રિચર્ડ એટનબરોની 1982ની ફિલ્મ ‘ગાંધી’ બની ત્યાં સુધી વિશ્વ મહાત્મા ગાંધી વિશે વધુ જાણતું ન હતું. ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી એક મહાન વ્યક્તિ હતા, પરંતુ દુનિયા તેમના વિશે જાણતી ન હતી. તેમણે એમ પણ પૂછ્યું કે શું છેલ્લા 75 વર્ષમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાં ઓળખ અપાવવાની જવાબદારી દેશની નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે ‘મહાત્મા ગાંધી વિશ્વના મહાન આત્મા હતા. શું આ 75 વર્ષમાં વિશ્વને મહાત્મા ગાંધી વિશે જણાવવાની જવાબદારી આપણી ન હતી? તેમના વિશે કોઈ જાણતું ન હતું. મને માફ કરજો, પણ તેમના વિશે પહેલીવાર દુનિયામાં ઉત્સુકતા ત્યારે ઊભી થઈ જ્યારે ફિલ્મ ‘ગાંધી’ બની.’ તેમણે કહ્યું કે જો વિશ્વ માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા અન્ય નેતાઓ વિશે જાણે છે, તો ગાંધી તેમનાથી ઓછા નથી. હું આ દુનિયા ફર્યા પછી કહું છું…’

ટીવી ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીની ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદી પર ‘મહાત્મા ગાંધીના વારસાને નષ્ટ કરવાનો’ આરોપ લગાવ્યો હતો. રમેશે X પર લખ્યું કે ‘એવું લાગે છે કે વડા પ્રધાન એવી દુનિયામાં રહે છે જ્યાં મહાત્મા ગાંધીને 1982 પહેલાં વિશ્વવ્યાપી માન્યતા મળી ન હતી. મહાત્મા ગાંધીના વારસાને જો કોઈએ નષ્ટ કર્યો હોય તો તે ખુદ વડાપ્રધાન છે. તેમની જ સરકારે વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં ગાંધીવાદી સંસ્થાઓનો નાશ કર્યો છે.

તેમણે કહ્યું કે ‘આરએસએસ કાર્યકર્તાઓની આ ઓળખ છે કે તેઓ મહાત્મા ગાંધીના રાષ્ટ્રવાદને સમજી શકતા નથી. આ તેમની વિચારધારા દ્વારા બનાવવામાં આવેલ વાતાવરણ હતું, જેના કારણે નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા કરી હતી.’ રમેશે એમ પણ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી મહાત્માના ભક્તો અને ગોડસેના ભક્તો વચ્ચેની લડાઈ છે. તેમણે દાવો કર્યો હતો કે ‘વડાપ્રધાન અને તેમના ગોડસે ભક્ત સાથીઓની હાર નિશ્ચિત છે.’

ટાઈમ મેગેઝીને ગાંધીજીને ‘પર્સન ઓફ ધ યર’ બનાવ્યા હતા

શાંતિ અને અહિંસાના પ્રતીક તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીને 1930માં અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ મેગેઝિન’ દ્વારા ‘પર્સન ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા હતા. ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે 5 વખત નોમિનેટ કરવામાં આવ્યું છે. 1982માં આવેલી ‘ગાંધી’ નામની ફિલ્મ રિચર્ડ એટનબરોએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ગાંધીની ભૂમિકા બિન કિંગ્સલે ભજવી હતી. આ ફિલ્મ તે સમયની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી, જેને 8 ઓસ્કર મળ્યા હતા.

આ પણ વાંચો :સાયબર સિક્યોરિટીમાં ભારતની વાહવાહ, આ નાટો દેશે યુદ્ધમાં ભારતને મદદ માટે કરી વિનંતી 

Back to top button