ગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

ગળાનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જાણો તેનાં કારણો અને ઉપાય

  • વરસાદની સીઝન બાદ, ખાસ કરીને ભેજવાળા વાતાવરણામાં ગળાનું ઈન્ફેક્શન વધી જતું હોય છે. આ માટે કેટલાક અસરકારક ઉપાયો અજમાવી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ જ્યારે વરસાદની સીઝન પુરી થવા આવે ત્યારે વાતાવરણ થોડું ઠંડુ અને ભેજવાળું હોય છે. વાતાવરણમાં રહેલા ભેજને કારણે બેક્ટેરિયા અને વાયરસ ખૂબ વધે છે. આ જ કારણ છે કે આ સીઝનમાં સામાન્ય ફ્લૂ, પેટના અને ગળાના ઈન્ફેક્શનના કેસમાં ખૂબ જ વધારો જોવા મળે છે. જો કે આ ગળાના ઈન્ફેક્શન અને દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે અનેક દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ કિસ્સામાં ઘણા ઘરેલું ઉપચાર ખૂબ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. જો તમે પણ આ દિવસોમાં ગળાના ઈન્ફેક્શનથી પરેશાન હો તો અહીં આપેલી કેટલીક ટિપ્સ તમને ઉપયોગી થઈ શકે છે.

બેદરકાર ન રહો

આ ઋતુમાં થતા ઈન્ફેક્શનને ગંભીરતાથી લેવું જોઈએ. તેમાં થોડી પણ બેદરકારી ન રાખો . જો 10 દિવસ કરતા વધુ સમય સુધી ગળામાં દુખાવો, કાંટા વાગતા હોય તેવું લાગવું કે ગળામાં કોઈ પણ સમસ્યા ચાલુ રહે તો તે કોઈ ગંભીર રોગની નિશાની પણ હોઈ શકે છે, તેથી તરત જ ડૉક્ટરની સલાહ લો. આ ઋતુમાં ગળાના ઈન્ફેક્શનનો કુદરતી રીતે કેવી રીતે પણ સામનો કરી શકાય છે. જોકે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ગળામાં આ સમસ્યાના કારણો શું છે અને તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ?

ગળાનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જાણો તેના કારણો અને ઉપાય hum dekhenge news

આ અસરકારક ઉપાયો અજમાવો

ગળામાં કાંટા જેવું વાગે અથવા થૂંક ગળવામાં સમસ્યા થાય કે તરત જ કેટલાક ઉપાય અજમાવો. આ ઉપાયો ઘણા આયુર્વેદિક નિષ્ણાતોની સલાહ પર આધારિત છે.

  • ગરમ વસ્તુઓનું સેવન કરો, કારણ કે બેક્ટેરિયા અતિશય ગરમી સહન કરી શકતા નથી.
  • હૂંફાળા પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ (કોગળા) કરવાનું શરૂ કરો, તેનાથી દુખાવામાં રાહત મળે છે. જોકે, કોગળા કરવા માટે સામાન્ય માટલાનું પાણી વધારે ઉત્તમ ગણાય છે.
  • ગાર્ગલ કરતી વખતે, તમારા મોંમાં મીઠાવાળું હૂંફાળું પાણી થોડીવાર રાખો, પરંતુ 5 થી 10 સેકન્ડથી વધુ નહીં.
  • ગાર્ગલ કરવાની સમગ્ર પ્રક્રિયાને ત્રણથી ચાર વખત પુનરાવર્તિત કરો.
  • ગાર્ગલ કર્યા પછી સીધા ખુલ્લી હવા અથવા એસી રૂમમાં ન જાવ. તમારા ગળાને કપડાથી સારી રીતે ઢાંકી દો.
  • આદુવાળી ગરમ ચાથી રાહત મળે છે. આદુમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા હોય છે.
  • ગરમ પાણીમાં 2 ચમચી એપલ સાઇડર વિનેગર નાખીને પીવો. તેનો એસિડિક ગુણ ગળામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે.
  • રાત્રે ગરમ દૂધમાં એક ચમચી હળદર ભેળવીને પીવાથી દુખાવો, સોજો અને ઈન્ફેક્શનથી રાહત મળે છે.
  • તુલસીનો ઉકાળો બનાવીને પીવો. તુલસીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક ગુણો જોવા મળે છે.

જો તમે ગળામાં ઇન્ફેક્શન હોવાની જાણ થતાં જ આ ઉપાયો કરવા લાગશો તો 99 ટકા તમે તમારા ગળાના ઈન્ફેક્શનમાં તરત રાહત મેળવી શકશો, પરંતુ જો તમારું ઈન્ફેક્શન થોડા દિવસ જુનું થઈ ચૂક્યું છે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી પડશે.

ગળાનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જાણો તેના કારણો અને ઉપાય hum dekhenge news

ઈન્ફેક્શનથી બચવાના ઉપાય

  • આ બદલાતી સીઝનમાં સતત વરસાદને કારણે વાતાવરણ ઠંડું થઈ જાય છે, જો તમને ગરમી કે અસ્વસ્થતા લાગે તો પણ રાતભર એસી રૂમમાં સૂશો નહીં.
  • પંખાની નીચે અથવા કૂલરની હવામાં પણ સૂવાનું ટાળો.
  • જો તમને વરસાદના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય તો ગરમ કપડા પહેરવામાં કોઈ તકલીફ નથી.
  • ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો. તમારા રોજિંદા આહારમાં વિટામીન સીથી ભરપૂર ખાટાં ફળોનો સમાવેશ કરો. તેના કારણે શરદી કે ગળામાં ઈન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી રહે છે.
  • દરેક ઋતુની જેમ આ ઋતુમાં પણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે મોસમી ફળો અને લીલા શાકભાજી ખાવ.
  • આ સીઝનમાં ઠંડુ પાણી પીવાનું ટાળો, ખાસ કરીને રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી તો બિલકુલ ન પીશો. આ સિઝનમાં રેફ્રિજરેટરમાં રાખેલી ઠંડી વાનગીઓ ખાવાનું ટાળો.
  • દરરોજ રાત્રે સૂવાના 2થી 3 કલાક પહેલા ડિનર લઈ લો. જો તમારી આસપાસ કોઈ બીમાર કે ઈન્ફેક્શનથી પીડાતી વ્યક્તિ હોય તો ખોરાક લેતા પહેલા તમારા હાથ સાબુથી ધોઈ લો.
  • આ સીઝનમાં બજારમાં મળતી તૈલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.
  • ઠંડી પછી તરત જ ગરમ વસ્તુઓ અને ગરમ બાદ તરત ઠંડી વસ્તુઓનું સેવન ન કરો.
  • ગળાના ચેપથી બચવા માટે વ્યક્તિએ ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.

આ રીતે થાય છે ગળાનું ઈન્ફેક્શન

આપણા શરીરમાં કોઈ પણ વસ્તુનો પ્રવેશ નાક અને મોં દ્વારા થાય છે. પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેતી વખતે વાયરસ અને બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. શરીરમાં પ્રવેશ્યા પછી તેઓ તરત જ કોઈ હલનચલન નથી કરતા પરંતુ શાંત રહે છે, પરંતુ હવામાન ભેજવાળું અને થોડું ઠંડું થતાં જ શરીરમાં સુષુપ્ત પડેલા આ બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આયુર્વેદમાં, આ ઋતુઓમાં ગળાના ચેપનું મુખ્ય કારણ વાત, પિત્ત અને કફનું અસંતુલન કહેવાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં કફ અને વાત દૂષિત થઈ જાય છે ત્યારે ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા થાય છે. ગળામાં ઈન્ફેક્શનના લક્ષણો જેટલા જલ્દી જોવા મળે તેટલી જલ્દી તેની સારવાર કરવી જોઈએ.

આ પણ વાંચોઃ લિવરને ક્લિન કરશે આ દેશી ડ્રિંક્સ, પાચન સુધારશે, લોહી પણ શુદ્ધ કરશે

Back to top button