અપરાધીને પકડનાર ત્રણ મહિલા પોલીસને સજા થઈ, કેમ?
- અપરાધી મહિલાના હાથ-પગ બાંધીને લટકાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી
- મોબાઈલ ચોરીના આરોપમાં કરી હતી ધરપકડ
ઝારખંડઃ બોકારોમાં ચોરીના આરોપમાં એક મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગઈ હતી. જે બાદ ત્રણ લેડી કોન્સ્ટેબલે તેને દોરડા વડે લટકાવીને પોલીસ સ્ટેશન પરત લાવી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્રણેય મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચોરીના આરોપમાં મહિલાની ધરપકડ કરી હતી
ઝારખંડના બોકારોમાં એક મહિલાને દોરડા વડે લટકાવીને પોલીસ સ્ટેશન લઈ જનાર ત્રણ લેડી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાસ મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે મોબાઇલ ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી હતી. પરંતુ તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે લેડી કોન્સ્ટેબલ તેની ધરપકડ કરવા પહોંચી તો પોલીસે મહિલાના પગ બાંધી દીધા. ત્યારબાદ તેને લટકાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ત્રણ મહિલા કોન્સ્ટેબલ આરોપી મહિલાને લટકાવીને લઈ જઈ રહ્યા છે.પોલીસ આરોપી મહિલાને ભીડવાળા વિસ્તારમાંથી લાંબા અંતર સુધી દોરડા વડે લટકાવીને લઈ જતા જોવા મળી હતી. બોકારો સેક્ટર-4 પોલીસ સ્ટેશનની પોલીસ મોબાઈલ ચોરીના કેસમાં આરોપી મહિલા અને તેના પતિની પૂછપરછ કરી રહી હતી. પરંતુ આ દરમિયાન મહિલાને મોકો મળતાં જ તે પોલીસ સ્ટેશનથી ભાગી ગઈ હતી.
મહિલા મોકો જોઇને ભાગી જતા પોલીસની ટીમ શોધવા નીકળી
જ્યારે પોલીસ અધિકારીઓને ખબર પડી કે ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલી મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગઈ છે, ત્યારે ખળભળાટ મચી ગયો હતો. મહિલા પોલીસની ટીમ તેને શોધવા નીકળી હતી. ભાગતી વખતે આરોપી મહિલા ઊંચી દીવાલ કૂદીને બીજી તરફ પડી હતી. પીછો કરતી મહિલા પોલીસકર્મીઓએ પણ દીવાલ કૂદીને તેને પકડી લીધી હતી. આ પછી બોકારો પોલીસની ત્રણ લેડી કોન્સ્ટેબલ મહિલાને દોરડા વડે લટકાવીને પોલીસ સ્ટેશન લાવ્યા. પરંતુ આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવી લીધો જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
આ પણ વાંચો: રામ-કૃષ્ણ અંગે વાંધાજનક ટીપ્પણી બદલ અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ