- દાર લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર પણ હતો
- દાર ઉપર રૂ.10 લાખનું ઈનામ પણ હતું
- દારે અનેક કાશ્મીરી પંડિતોની કરી હતી હત્યા
નવી દિલ્હી, 7 મે : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઘાટીમાં ચૂંટણી પહેલા સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFના ચીફ બાસિત અહેમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને લશ્કરના ઠેકાણાની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી સોમવારે મોડી સાંજે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મંગળવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
દારને આતંકવાદીઓની A++ શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો
દારની હત્યા સુરક્ષા દળો માટે એક મોટી સફળતા છે કારણ કે તે એ જ આતંકવાદી છે જેણે ખીણમાં ઘણા કાશ્મીરી પંડિતો સહિત સ્થળાંતર કરનારાઓની ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. બાસિત દારના નેતૃત્વમાં ટીઆરએફે છેલ્લા 5 વર્ષમાં ઘાટીમાં ઘણા હુમલા કર્યા છે. આમાં ડઝનબંધ લોકોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી બાસિત ડાર સુરક્ષા દળોની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેને આતંકવાદીઓની A++ શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો.
આતંકવાદી ડાર કુલગામનો રહેવાસી હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાસિત અનેક હત્યાઓનો માસ્ટરમાઇન્ડ હતો. બાસિત કુલગામ રેડવાનીનો રહેવાસી હતો જે તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો. આ પછી તે લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)માં જોડાયો હતો. આતંકવાદી સંગઠનમાં જોડાયા બાદ તેણે ઘણી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. તેને આતંકી સંગઠન TRFનો કાશ્મીર ચીફ બનાવવામાં આવ્યો હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. ગયા વર્ષે જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બાસિત અહેમદ ડાર પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈનના બાસિત અહેમદ ડાર સામે 32/2021/NIA/DLI નોંધાયેલા કેસમાં ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી હતી.