18 મે, અમદાવાદ: ગઈકાલે આવેલા સમાચાર અનુસાર BCCIએ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીર તરફ જોયું છે અને તેમનો સંપર્ક કર્યો છે. જ્યારે રાહુલ દ્રવિડે પોતાના પદે ચાલુ રહેવા માટે ઇનકાર કર્યો હતો ત્યારે અમુક નામો સામે આવ્યા હતા તેમાં ગૌતમ ગંભીર છેક છેલ્લા સ્થાને હતા.
જ્યારે રાહુલ દ્રવિડે અનિચ્છા દર્શાવી ત્યારે રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર, વીરેન્દર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ જેવા નામો સામે આવ્યા હતા. પરંતુ ગૌતમ ગંભીરનું નામ તો ક્યાંય દૂર દૂર સુધી દેખાયું ન હતું. પરંતુ હવે જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીર સહુથી ફેવરીટ ગણાયા છે ત્યારે આપણે જોઈએ કે આમ થવા પાછળના કારણો કયા કયા છે.
પહેલું કારણ છે ગૌતમ ગંભીરનો આક્રમક સ્વભાવ. ગંભીર જ્યારે પણ ક્રિકેટ રમતા ત્યારે સ્પિનર્સ તો શું ફાસ્ટ બોલર્સ સામે પણ આગળ આવીને રમવાથી ડરતા ન હતા. મેદાન ઉપર જ્યારે કોઈ ખેલાડી તેમને અપશબ્દો કહેતો ત્યારે તેઓ તેની ભાષામાં જ તેને જવાબ આપતા અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શાહિદ આફ્રિદી છે. રાજકારણમાં પણ ગંભીર જેટલો સમય રહ્યા તેમણે પોતાનો આક્રમક સ્વભાવ દેખાડ્યો છે.
બીજું કારણ છે કે ગૌતમ ગંભીર પોતાના મનમાં જે હોય છે તે કહી દે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર 2011ના વર્લ્ડ કપની જીત ટીમની જીત હતી કોઈ એક વ્યક્તિની જીત નહીં તેવું વારંવાર અને સ્પષ્ટરૂપે બોલતા આવ્યા છે. આ ઉપરાંત ક્રિકેટ ઉપર તેમના મંતવ્યો સ્પષ્ટ હોય છે. આ રીતે તેઓ ટીમમાં પણ ટીમની અને તેના ખેલાડીઓની જે કોઈ પણ ભૂલ હશે તેને તેઓ દરેકની સામે કહી દેશે તેવી ભારોભાર શક્યતાઓ રહેલી છે. આ છેવટે ટીમના લાભમાં જ રહેશે.
ત્રીજું અને અંતિમ કારણ એ છે કે ગૌતમ ગંભીર એક કુશળ રણનીતિકાર પણ છે. ગૌતમ ગંભીરે જેટલી વખત ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી છે તેમણે મોટેભાગે મેચો જીતાડી જ છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સને પણ કપ્તાન તરીકે બે વખત IPL જીતાડી છે. આ વખતે તેઓ કોલકાતા ટીમના મેન્ટર છે અને ટીમ ઓલરેડી પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ ચૂકી છે.