નીરજ ચોપરા સહિત ત્રણ ખેલાડીઓ તાલીમ મેળવવા જશે વિદેશ, સરકાર ઉઠાવશે તમામ ખર્ચ
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને અન્ય ત્રણ ખેલાડીઓની મદદ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આ ખેલાડીઓને TOPS (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ) હેઠળ વિદેશમાં તાલીમ આપવા માટે મંજૂરી આપી છે. સરકાર નીરજ ચોપરા અને ત્રણ એથ્લેટ્સ પર લગભગ 94 લાખ રૂપિયા ખર્ચ કરશે. આ માટે તેણે ફંડ બહાર પાડ્યું છે. આ ખેલાડીઓ વિદેશમાં વિવિધ કેમ્પમાં ભાગ લેશે.
નીરજે 2022ની સિઝન જોરદાર રીતે પૂરી કરી
હાલના દિવસોમાં નીરજ આગામી સિઝનની તૈયારી કરી રહ્યો છે. નીરજે 2022ની સિઝન જોરદાર રીતે પૂરી કરી છે. તેણે સપ્ટેમ્બરમાં ઝુરિચમાં ડાયમંડ લીગ ફાઇનલમાં 88.84 મીટરના ભાલા ફેંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ડાયમંડ લીગ ફાઇનલ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. નીરજે ઈજાના કારણે આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો.
આવતા વર્ષે જેવલિન થ્રોઅરમાં 90 મીટરના આંકને સ્પર્શવાનું સ્વપ્ન
નીરજનું લક્ષ્ય 90 મીટરના આંકને સ્પર્શવાનું છે અને તે તેના માટે તૈયારી કરી રહ્યો છે. આગામી સિઝનમાં નીરજને 2023માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે 19 થી 27 ઓગસ્ટ દરમિયાન હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં યોજાશે. આ પછી એશિયન ગેમ્સ ચીનના ગુઆંગઝૂમાં રમાવવાની છે. 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન પ્રક્રિયા પણ આવતા વર્ષે શરૂ થશે.