ગુજરાત

ભાવનગરના આનંદ મેળામાં સામાન્ય બાબતે મજૂર યુવાન પર ત્રણ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો

Text To Speech

ભાવનગરઃ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવાન મિત્રો સાથે જવાહર મેદાનમાં આવેલા આનંદ મેળામાં ગયો હતો. ત્યારે સામાન્ય બાબતે માથાકૂટ થતાં ત્રણ શખ્સોએ શ્રમજીવી યુવાન પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતાં.

સમગ્ર બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી- મફતનગરમાં રહેતો અને કડીયાકામની મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો શ્રમજીવી યુવાન યુનુસ આસિફ શેખ ઉ.વ.19 ગત રવિવારે ત્રણ મિત્રો સાથે શહેરના જવાહર મેદાનમાં આવેલા આનંદમેળામા ગયો હતો. જ્યાં હોડીની રાઈડમાં બેસવા જતાં યુનુસથી ધવલ મકવાણા નામનાં શખ્સને ધક્કો લાગી જતાં ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા ધવલ મકવાણા હર્ષ ઉર્ફે 502 તથા બકી નામના શખ્સોએ યુનુસ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી.

ત્યારબાદ ધવલે યુનુસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક ઘા યુનુસને પેટમાં તથા હાથે અને સીટના ભાગે વાગતાં યુનુસના મિત્રોએ વચ્ચે પડતાં ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. મેળામાં છરી વડે હુમલાની ઘટના બનતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ તરફ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button