અમરેલીમાં કૂવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળતાં સાંસદ અને પોલીસનો કાફલો દોડ્યો
અમરેલી, 12 જાન્યુઆરી 2024, ગુજરાતમાં આપઘાત કરવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. અમરેલી તાલુકાના લાલાવદર ગામમાં કૂવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં સાંસદ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ત્રણેય મૃતદેહ એક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
કૂવામાંથી ભાઇ-બહેન અને ભાભીનો મૃતદેહ મળી આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી તાલુકાના લાલાવદર ગામમાં કૂવામાંથી ભાઇ-બહેન અને ભાભીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. લાલાવદર ગામમાં અલ્પેશભાઇની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેત મજૂરી કરતો હતો. જેમણે બે દિવસ અગાઉ કૂવામાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા.
અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઘટનાસ્થળે દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમના કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આપઘાત કર્યો છે કે કેમ અને આપઘાત કર્યો હશે તો કયા કારણોસર કર્યો છે એની તપાસ હાલમાં ચાલી રહી છે.
આ પણ વાંચોઃજૂનાગઢના વંથલી નજીક બે બસ અને કાર અથડાઈ, 12 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત