અમદાવાદમાં એક જ દિવસમાં બે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ, હેબતપુરમાં માતા-પુત્રીને ડમ્પરે અડફેટે લીધા
અમદાવાદ, 11 ડિસેમ્બર 2023, શહેરમાં અકસ્માતોના આંકડા દિવસે દિવસે વધી રહ્યાં છે. આજે શહેરમાં બે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે એક જણને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. શહેરમાં હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર પર જઇ રહેલા માતા પુત્રીનું ડમ્પરે ટક્કર મારતાં મૃત્યુ થયું છે. જ્યારે વહેલી સવારે વાસણા જી.બી.શાહ કોલેજ પાસે AMCનું સ્વિપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા દંપતીને કચડ્યું હતું. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને પુરૂષનો પગ કચડાઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ડમ્પરની અડફેટે માતા અને પુત્રીનું મૃત્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે ગોઝારો અકસ્માત સર્જ્યો છે. જેમાં ડમ્પર ચાલકે ટુ વ્હીલર લઈને જતા માતા અને પુત્રીને અડફેટે લીધા હતા. ડમ્પરની અડફેટે 40 વર્ષની માતા અને સાત વર્ષની પુત્રીનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતમાં 40 વર્ષના મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને સાત વર્ષની જાન્વી કિરણ ગોસ્વામીનું મૃત્યુ નિપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથી ધરી છે.
વાસણમાં AMCના સ્વિપર મશીને દંપતીને કચડ્યું
બીજી ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વાસણા પાસેની જી.બી.શાહ કોલેજ પાસે AMCનું સ્વિપર મશીન કાબુ ગુમાવતાં ફૂટપાથ પર ચડી ગયું હતું. આ ફૂટપાથ પર એક દંપતી રહેતું અને તેમાં મહિલા સવારે રોટલી બનાવતી હતી. સ્વિપર મશીનની અડફેટે આવતાં આ મહિલાનું મૃત્યુ થયું હતું. શહેરમાં બેફામ બનીને ચાલી રહેલા ડમ્પરો લોકોના જીવ લઈ રહ્યાં છે. પોલીસ એક સમયે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ઓવરસ્પીડમાં જતાં વાહનચાલકો સામે આકરી બની હતી. ત્યારે આ ડમ્પરો સામે ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃમોરબીઃ સફાઈ કામદારો માટે આવાસ યોજના હેઠળ આર્થિક સહાય