ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત થવા મામલે ફાર્માસ્યુટિકલ ફર્મના ત્રણ અધિકારીઓની ધરપકડ
યુપીના નોઈડામાં એક ફાર્માસ્યુટિકલ ફર્મના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો ગયા ડિસેમ્બરમાં ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 18 બાળકોના મૃત્યુ સાથે સંબંધિત છે. જ્યારે કે ડિરેક્ટર કક્ષાના બે અધિકારીઓ ફરાર છે, જેમની શોધમાં પોલીસ દરોડા પાડી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના ડ્રગ ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નોઈડાના ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં મેરિયન બાયોટેકના બે ડિરેક્ટર સહિત પાંચ અધિકારીઓ વિરુદ્ધ ગુરુવારે મોડી રાત્રે FIR દાખલ કરવામાં આવી હતી.
કોની ધરપકડ કરવામાં આવી ?
ફરિયાદી ડ્રગ ઇન્સપેક્ટરના જણાવ્યા મુજબ મેરિયન બાયોટેકની દવાઓના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. સેમ્પલ ભેળસેળયુક્ત અને નકલી જણાયા હતા. સ્ટેશન ઈન્ચાર્જ વિજય કુમારે જણાવ્યું કે કંપનીના બે ડાયરેક્ટર ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઓપરેશન હેડ તુહિન ભટ્ટાચાર્ય, મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ અતુલ રાવત અને એનાલિટીકલ કેમિસ્ટ મૂળ સિંહનો સમાવેશ થાય છે. મેરિયન બાયોટેક, જેની ઓફિસ સેક્ટર 67 માં છે, ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના કફ સિરપ ડોક-1 માટે તપાસ હેઠળ આવી હતી, જેનું સેવન કર્યા પછી ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હોવાની શંકા છે.
ઉઝબેકિસ્તાનનો 18 બાળકોના મોતનો દાવો
ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 18 બાળકોએ ડોક-1 મેક્સ સીરપ પીધી હતી. તેનું ઉત્પાદન નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલાની તપાસ કરવા અને આરોપી કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.