ગુજરાતમધ્ય ગુજરાત

પાનમ ડેમની કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનો ડૂબ્યા, 2 સગાભાઈ સહિત મૌલાનાનું મોત

Text To Speech

ગોધરા, 12 એપ્રિલ 2024, પંચમહાલના શહેરા તાલુકામાં પાનમડેમની સિંચાઈ કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયાં છે. ત્રણેય મુસ્લિમ યુવાનો લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના હતા. જેમાં બે સગાભાઈ હતા. ત્રણેયના મોતના સમાચારથી કોઠંબા ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. ઈદનો તહેવાર માતમમાં ફેરવાઈ જતાં ત્રણેય યુવકોના પરિવારજનોનાં હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાણી ભરવા ગયેલો યુવાન કેનાલમાં ગરકાવ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ પાનમ ડેમનો નજારો જોવા માટે લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે આવ્યા હતા. ત્યારે ડેમ પાસે આવેલ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતાં તે સમયે પગ લપસી જતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકોએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી. પરંતુ જોતજોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ કેનાલમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા.

કેનાલમાં છોડાયેલ પાણી બંધ કરી યુવાનોની શોધખોળ હાથ ધરાઈ
બનાવની જાણ તંત્રને થતાં ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.સ્થાનિક ગ્રામજનોની મદદથી કેનાલમાંથી ભારે જહેમત બાદ એક બાદ એક યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ત્રણ મુસ્લિમ યુવાનોમાંથી બે સગા ભાઈઓ હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય મુસ્લિમ યુવાનોના મૃતદેહોને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રમઝાન ઈદના દિવસે બનેલી દુઃખદ ઘટનાને લઈને સમગ્ર કોઠંબા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ પણ વાંચોઃગુજરાતમાં ગરમી વચ્ચે તાવ અને ખાંસી સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

Back to top button