ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાનની ‘મન કી બાત’માં ત્રણ મહિનાનો બ્રેક, 110મા હપ્તામાં નવા મતદારોને બતાવ્યું 18-18નું કનેક્શન

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: PM નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 110મા એપિસોડમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને ત્રણ લોકો સાથે ફોન પર વાત કરી હતી અને વિવિધ સરકારી યોજનાઓ અંગેના તેમના અનુભવો જાણ્યા હતા. પ્રાકૃતિક ખેતીના મહત્વને રેખાંકિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણી માતૃભૂમિને રસાયણોથી થતી તકલીફોમાંથી બચાવવામાં માતૃસંસ્થાનો મોટો ફાળો છે. તેમણે કહ્યું કે દેશના દરેક ખૂણે મહિલાઓએ હવે કુદરતી ખેતીનો વિસ્તાર કરવો જોઈએ. આ ઉપરાંત, આગામી ત્રણ મહિના સુધી મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નહીં થાય તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું હતું.

આગામી ત્રણ મહિના સુધી મન કી બાત પર વિરામ લાગશે

પીએમ મોદીએ કહ્યું, ‘દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને ગયા વખતની જેમ માર્ચ મહિનામાં પણ આચારસંહિતા લાગુ થવાની સંભાવના છે. ‘મન કી બાત’ની આ એક મોટી સફળતા છે કે છેલ્લા 110 એપિસોડમાં અમે તેને સરકારના પડછાયાથી દૂર રાખ્યો છે. ‘મન કી બાત’માં દેશની સામૂહિક શક્તિ અને દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરાઈ છે. એક રીતે જોઈએ તો આ લોકોનો, લોકો માટે, લોકો દ્વારા તૈયાર કરાયેલો કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં રાજકીય સજાગતાને પગલે લોકસભા ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ આગામી 3 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે નહીં. હવે જ્યારે હું તમારી સાથે ‘મન કી બાત’માં વાર્તાલાપ કરીશ, ત્યારે તે ‘મન કી બાત’નો 111મો એપિસોડ હશે. આગમી કાર્યકાળમાં ‘મન કી બાત’ શુભ અંક 111થી શરૂ થાય તો તેનાથી વધુ સારું શું હોઈ શકે?

ફર્સ્ટ ટાઈમ વોટર્સને મતદાન કરવાની અપીલ કરી

પીએમ મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને ઉલ્લેખીને કહ્યું કે, મને ખુશી છે કે થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે બીજું અભિયાન શરૂ કર્યું છે. જેનું નામ છે ‘મારો પહેલો મત – દેશ માટે’. આ દ્વારા પ્રથમવાર મતદારોને વધુમાં વધુ મતદાન કરવા ખાસ અનુરોધ કરાયો છે. હું પ્રથમ વખત મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરીશ. 18 વર્ષના થયા પછી તમને 18મી લોકસભા માટે સભ્ય ચૂંટવાનો મોકો મળી રહ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા દિવસ બાદ 8 માર્ચે આપણે મહિલા દિવસ તરીકે ઉજવીશું. આ ખાસ દિવસ દેશની વિકાસ યાત્રામાં નારી શક્તિના યોગદાનને સલામ કરવાનો અવસર છે.

આ પણ વાંચો: ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

Back to top button