રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ આવી રહ્યા છે અને આટકોટ ગામે બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ એક જંગી સભા સંબોધવાના છે. જ્યાં પીએમ મોદીની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકો સભા સ્થળ પર તૈનાત રહેશે. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભા સ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંગે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સભા સ્થળની આસપાસ અને નજીક 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે 600×1200 ફૂટનો વિશાલ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જયારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે અને જે લોકો જાહેર સભામાં આવે તેમને ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
300નો સ્ટાફ દર્દીની સારવારમાં ખડેપગે રહેશે
ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગીય નિષ્ણાતો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ક્રિટિકલ કેરમાં રોજનું 250 રૂપિયા ભાડું
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે ત્યારે તેને કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે એવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલાશે.
વિદેશથી 14 કરોડનાં મશીન ઈમ્પોર્ટ કરાયાં
આ મલ્ટીસ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલ માટે રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતનાં મશીન એવાં છે, જે વિદેશથી મગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટિલેટર સહિતની ક્વોલિટી સાથે જરાપણ બાંધછોડ કરવામાં આવી નથી. અહીં દર્દી નારાયણની સેવા જ મુખ્ય ઉદ્દેશ હોવાનું ડો. બોઘરાએ જણાવ્યું હતું.