13 મે, મુંબઈ: રોહિત શર્મા માટે આ વર્ષની IPLની સિઝન ભૂલી જવા જેવી છે. ગયા વર્ષે ઓક્શન બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રોહિતને કપ્તાનીમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને એ જવાબદારી સોંપી હતી. ત્યારથી જ એ અટકળો શરુ થઇ ગઈ હતી કે આવતા વર્ષે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ સાથે રમશે કે બીજી કોઈ ટીમમાં જતો રહેશે?
જે પ્રકારે આ વર્ષે મુંબઈનો દેખાવ રહ્યો છે અને રોહિતની બેટિંગ રહી છે બન્નેમાંથી કોઈ નથી ઇચ્છતું કે રોહિત આ ટીમમાં રહે. આ ઉપરાંત કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે પણ રોહિત શર્માનું ટ્યુનીંગ બેઠું નથી એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આવામાં રોહિત પોતે પણ મુંબઈ પર બોજારૂપ બની જાય એવું તે નહીં ઈચ્છતો હોય.
આ તમામ કારણો એ બાબત પર ઈશારો કરે છે કે આવતા વર્ષે રોહિત શર્મા જો મુંબઈ ઇન્ડિયન્સ છોડી દે તો કઈ ટીમ તરફથી રમી શકે છે. IPL રમતી દરેક ફ્રેન્ચાઈઝીઓનો ઊંડાણથી અભ્યાસ કર્યા પછી એવું લાગે છે કે એવી ત્રણ ટીમો છે જે રોહિતને પોતાની સાથે જોડાવા માટે આમંત્રણ આપી શકે છે. તો ચાલો જાણીએ એ ત્રણ ટીમો વિશે જેમાં રોહિત IPL 2025 રમતો જોવા મળી શકે છે.
ગુજરાત ટાઈટન્સ: હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સમાંથી જ ઉપાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, આથી બદલાના રૂપે નહીં પરંતુ હાલના કેપ્ટન શુભમન ગિલને હજી પણ કેપ્ટન તરીકે પરિપક્વ થવાની જરૂર હોવાનું લાગતું હોવાથી કદાચ ટાઈટન્સનું મેનેજમેન્ટ આવતે વર્ષે અનુભવી કેપ્ટનની શોધ કરે તો રોહિતનું સ્થાન આ ટીમમાં પાક્કું થઇ શકે છે. આ ઉપરાંત આશિષ નહેરાનું કોચિંગ જે પ્રમાણેનું છે તે રોહિતના સ્વભાવને પણ મેળ ખાય તેવું છે.
સન રાઈઝર્સ હૈદરાબાદ: યાદ હોય તો રોહિત શર્માની IPL કેરિયર ડેક્કન ચાર્જર્સ ટીમ સાથે થઇ હતી. આ ટીમ પણ હૈદરાબાદ બેઝ્ડ જ હતી. આ વર્ષે કેપ્ટન તરીકે સન રાઈઝર્સ હૈદરાબાદે બહુ ઉંચી કિંમત આપીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ખરીદ્યો હતો. પરંતુ કમિન્સ કાયમ પોતાની દેશની ડયુટીને મહત્વ આપતો હોય છે. એવામાં આવતા વર્ષે તે IPL ન રમવાનો નિર્ણય જો લે તો SRH તકલીફમાં આવી શકે છે. આથી તે રોહિતને પોતાની ટીમમાં લઈને કપ્તાનીનું ખાલી પડેલું સ્થાન ભરી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: રોહિત શર્મા માટે જો સહુથી યોગ્ય ટીમ હોય તો તે છે KKR. શાહરૂખ ખાન જેને તમામ IPL ફ્રેન્ચાઈઝી માલિકોમાં સહુથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, તે ઉપરાંત રોહિત જેવાજ આક્રમક સ્વભાવના કોચ ચંદ્રકાંત પંડિત અને મેન્ટર ગૌતમ ગંભીર આ ટીમના ભાગ છે. આ પ્રકારનું વાતાવરણ રોહિત શર્મા માટે બિલકુલ ફીટ છે. આથી KKR પણ રોહિતને પોતાની ટીમમાં લેવા માટે ઉત્સુક હોય તે શક્ય છે.