ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ત્રણ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા, જામજોધપુર યાર્ડમાં પડેલી મગફળી પલળી ગઈ

Text To Speech
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસથી સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ ઝોનવાઇઝ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. તો પ્રથમ વરસાદમાં જ મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી. બીજી બાજુ જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં પાણીની સાથે મગફળીની નદી વહેતી જોવા મળી હતી. વરસાદની આગાહી હોવા છતા યાર્ડમાં ખુલ્લામાં મગફળીનો જથ્થો રાખ્યો હોવાથી વરસાદમાં પલળ્યો હતો. વરસાદ એટલો ઝડપથી આવ્યો હતો કે વેપારી અને ખેડૂતોને મગફલી સલામત સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો.
વરસાદથી ક્યાંક મજા પડી તો ક્યાંક આફત સર્જાય : પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી
સવારથી બપોર સુધી ભારે ઉકળાટ બાદ અચાનક કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. શહેરના મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. ધોધમાર વરસાદથી મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મવડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે તો અમુક સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આથી લોકો હેરાન-પરેશાન બન્યા છે. બીજી તરફ સાધુ વાસવાણી રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. વાહનો બંધ પડતા લોકોએ દોરીને વાહન લઇ જવાની ફજર પડી હતી. આ ઉપરાંત રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં પણ રસ્તા પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાયા હતા.
મગફળી પલળવાથી યાર્ડના ખેડૂતો-વેપારીને થયું ભારે નુકસાન
જામજોધપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં દોડધામ મચી હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસને સલામત સ્થળે ખસેડવા વેપારીઓ અને મજૂરો કામે લાગ્યા હતા. જો કે, તેમ છતાં ધોધમાર વરસેલા વરસાદના કારણે મોટી સંખ્યામાં મગફળી સહિતનો ખેત પેદાશો પલળી હતી. મગફલીની તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે.
Back to top button