ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

કેદારનાથના હેલિકોપ્ટર ક્રેશમાં ત્રણ ગુજરાતની દીકરીઓના મોત, રાજ્ય સરકારે વ્યક્ત કર્યો શોક

Text To Speech

આજે ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક શ્રદ્ધાળુઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર છ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં પાયલટ અનિલ સિંહે પણ જીવ ગુમાવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરની ફ્યુઅલ ટેન્કમાં હવામાં આગ લાગી હતી, ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટરના દુર્ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા છ મુસાફરોમાંથી પાંચ મહિલાઓ હતી. મૃતકોની ઓળખ પણ થઈ ગઈ છે. મૃતકોના નામ સુજાતા, કાલા, પ્રેમ કુમાર, ઉર્વી, પૂર્વા અને કૃતિ છે. આ મુસાફરોમાંથી ત્રણ ગુજરાતના અને ત્રણ તમિલનાડુના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તો સાથે સાથે દરેક મૃતકના પરિવારજનોને રૂ. 4-4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની 3 દિકરીઓના મૃત્યું થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગેની જાણ સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, કેદારનાથ ખાતે જે હેલીકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં ભાવનગરની દીકરીઓ હતી તે સમાચાર મળતા જ ચિંતિત છું . વડા પ્રધાનશ્રી તથા મુખ્ય મંત્રી શ્રી ને વિનંતી છે કે,  જલદીથી યોગ્ય કાર્યવાહી અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરના દેસાઈ નગરની બે અને એક સિહોરની મળીને કુલ 3 દીકરીઓના મોત નીપજ્યા છે. ઉર્વી બારડ, કૃતિ બારડ બંને દેસાઈ નગર, ભાવનગરની છે. જ્યારે પૂર્વા રામાનુજ શિહોરની રહેવાસી છે. મળતી માહિતી મુજબ પૂર્વા બારડ 26 વર્ષની, કૃતિ બારડ 30 વર્ષની છે. જ્યારે ઊર્વી રામાનુજ 25 વર્ષની છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી હું દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ટ્વિટ કર્યું

દ્રૌપદી મૂર્મુએ ટ્વિટ કર્યું, “કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ સહિત અનેક શ્રદ્ધાળુઓના મોતના ખૂબ જ દુઃખદ સમાચાર. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.”

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ શોક વ્યક્ત કર્યો

નાગરિક ઉડ્ડયન મંત્રીએ ટ્વીટ કર્યું, “કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમે નુકસાનની ભયાનક્તા જાણવા માટે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.”

આ પણ વાંચો : ઉત્તરાખંડ: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, ગરુડચટ્ટીમાં થયેલા આ અકસ્માતમાં પાયલોટ સહિત 6ના મોત

Back to top button