ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની ઉજવણી અંતર્ગત “ત્રી-દિવસીય સ્મૃતિ પ્રદર્શન” નો શુભારંભ

Text To Speech
  • 14 ઓગસ્ટ ભારતીય ઇતિહાસમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

બનાસકાંઠા 13 ઓગસ્ટ 2024 : 14 ઓગસ્ટ એટલે ભારતીય ઇતિહાસની એક એવી ઘટના કે જેને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૭ માં ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીયોએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ વર્ષ: ૨૦૨૧ માં આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા.” વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા, સામાજિક સદભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે.” આ દિવસને વિશેષ રીતે યાદ કરી લીડ બેંક, પાલનપુર અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે કે.કે.ગોઠી સ્વસ્તિક હાઇસ્કૂલ પરિસર ખાતે આયોજિત “ત્રી-દિવસીય સ્મૃતિ પ્રદર્શન” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

બેંક ઓફ બરોડા, બનાસકાંઠાના ક્ષેત્રીય પ્રબંધક મનોજ વડોદરિયા,બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, પાટણ નાં ઉપ ક્ષેત્રીય પ્રબંધક ગૌરાંગ દેસાઈ, લીડ બેંક મેનેજર હેમંત ગાંધી, બરોડા આર.સે.ટી. ડાયરેકટર સંદીપ ચૌહાણ સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના ડાયરેકટર મહેન્દ્રભાઈ પંચાલ, કે.કે.ગોઠી સ્વસ્તિક હાઇસ્કૂલ આચાર્ય મણીભાઈ સુથાર સહિત હાઇસ્કૂલ અને સ્વસ્તિક મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું.
આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે પ્રદર્શન નિહાળી આ વિદ્યાર્થીઓએ દેશનાં બલિદાનીઓને યાદ કરી શ્રદ્ધાપૂર્વક વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ સ્મૃતિ પ્રદર્શન તા. ૧૩, ૧૪ અને ૧૫ ઓગસ્ટ સવારે ૮ થી સાંજે ૫ દરમિયાન પાલનપુરના નગરજનો ને નિહાળવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.જેનો સૌ નગરજનો લાભ લે એવો લીડ બેંક દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ: જુહાપુરાનાં અફઝલ ટાવરમાં પતિએ “તીન તલાક” કહી પત્નીને તલાક આપ્યું; સાસુ સસરા સાથે મારામારી કરી; પોલીસને જાણ કરાઈ

Back to top button