લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપોઃ થ્રી ઈડિયટ ફિલ્મના રીયલ લાઈફ રેન્ચોની ભૂખ હડતાળ
કારગીલ (લદ્દાખ), 25 માર્ચ: કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) એ કેન્દ્ર સરકાર સામે પ્રતીકાત્મક વિરોધમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી સૂચિમાં સમાવેશ સહિતની તેની ચાર-સૂત્રીય માંગણીઓના સમર્થનમાં રવિવારે અહીં ત્રણ દિવસીય ભૂખ હડતાળ શરૂ કરી હતી. જેમાં વિવિધ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. આ સિવાય લેહમાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની આગેવાની હેઠળની ભૂખ હડતાળ 19માં દિવસમાં પ્રવેશી ગઈ છે. તેમણે લેહ એપેક્સ બોડી (LAH) અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટોમાં મડાગાંઠ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ‘વિશ્વાસઘાત’ પર નારાજગી વ્યક્ત કરી હતી.
લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા સરકાર સામે વિરોધ
KDA અને LAH, બંને જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોના અલગ-અલગ જૂથો તેમની માંગણીઓના સમર્થનમાં સંયુક્ત રીતે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં સ્થાનિક યુવાનો માટે નોકરીમાં અનામત અને રાજ્યસભાની બેઠકની માંગણીનો પણ સમાવેશ થાય છે.
લદ્દાખને વિધાનસભા વિના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યા બાદ ઓગસ્ટ 2019માં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. KDAનું સમગ્ર નેતૃત્વ 200થી વધુ સ્વયંસેવકો સાથે રવિવારે સવારે હુસૈની પાર્ક ખાતે એકઠા થયા અને સોનમ વાંગચુક સાથે એકજૂથ થઈને ત્રણ દિવસીય ભૂખ હડતાળ શરૂ કરી. વાંગચુક આ માંગણીઓના સમર્થનમાં 6 માર્ચથી લેહમાં ‘જળવાયુ ઉપવાસ’ પર છે.
લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC), કારગીલના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ઝફર અખનૂન સહિત વિવિધ વર્ગના લોકોએ ભૂખ હડતાળમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે KDAના સહ-પ્રમુખ કમર અલી અખનૂન અને અસગર અલી કરબલાઈ પણ હાજર હતા. વિરોધ દરમિયાન, હાજર લોકોના જૂથોએ “હોલો કેન્દ્રશાસિત પ્રદેશ, અમલદારશાહી સ્વીકાર્ય નથી અને લદ્દાખમાં લોકશાહી પુનઃસ્થાપિત કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અમારી ચાર મુદ્દાની માંગણીઓ માટે દબાણ કરવા KDA અને LAH દ્વારા ચાલી રહેલા સંયુક્ત આંદોલનનો ભૂખ હડતાલનો એક ભાગ છે.
સોનમ વાંગચુક પરથી થ્રી ઇડિયટ મૂવી પણ બની હતી
સોનમ વાંગચુક એક ભારતીય એન્જિનિયર, ઈનોવેટર અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. તેઓ લદ્દાખની સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ (SECMOL)ના સ્થાપક-નિર્દેશક છે, જે લદ્દાખમાં શિક્ષણ પ્રણાલીને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મહત્ત્વનું છે કે, બોલિવૂડની સુપરહિટ થ્રી ઇડિયટ મૂવી સોનમ વાંગચુક પરથી બની હતી.
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ચેતવણી, ‘ચીને લદ્દાખમાં જમીન પર કબજો કર્યો, હું LAC સુધી રેલી કરી વાસ્તવિકતા બતાવીશ’