IPL-2024અમદાવાદગુજરાત

સટ્ટોડિયાઓએ ભારે કરી! મોદી સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચમાં સટ્ટો રમતા 3 પકડાયા

Text To Speech

અમદાવાદ, 01 એપ્રિલ 2024, શહેરના મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી IPLની મેચ દરમિયાન સ્ટેડિયમની પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેસીને મેચ પર સટ્ટો રમાડતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય જગ્યાએ બેસીને લાઈવ મેચનો સટ્ટો રમતા બે અન્ય શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યાં છે.આ મુદ્દે સટ્ટા માટેનું માસ્ટર આઈડી આપનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કરાયાં છે.

IDથી સટ્ટો રમતા 11 જેટલા યુઝર પોલીસને મળી આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એલસીબીના કર્મચારીઓ મોદી સ્ટેડિયમની અંદર બંદોબસ્તમાં હતાં આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેઠેલો એક ઈસમ મોબાઈલમાં માસ્ટર આઈડી રાખીને લાઈવ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે શખ્સ પાસે જઈને તેની પુછપરછ કરી હતી. આ દરમિયાન તેણે પોતાનું નામ દીપક મોહનાની જણાવ્યું હતું. તેની પાસેથી 12 હજાર રોકડા અને મેચની એક ટીકિટ મળી આવી હતી. તેના મોબાઈલમાં સટ્ટા માટેના વિવિધ આઈડી મળી આવ્યા હતાં. પોલીસે આ આઈડી અંગે શખ્સને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તેને આ આઈડી ડિસાના રાજેશ માહેશ્વરીએ આપ્યું છે. આ શખ્સના મોબાઈલમાં ચાલુ મેચ દરમિયાન આઈડી પરથી સટ્ટો રમતા 11 જેટલા યુઝર પોલીસને મળી આવ્યા હતાં.

પોલીસે ત્રણ સટોડિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા
પોલીસે આઈડી આપનાર માસ્ટર માઈન્ડ રાજેશને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ સ્ટેડિયમમાં BBB 128 નંબરની સીટ પર બેઠેલો શખ્સ તથા અપર લેવર બ્લોક એન ખાતે એક શખ્સ સટ્ટો રમતાં ઝડપાઈ ગયો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે પ્રિયાંક દરજી નામના શખ્સને પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જ્યારે શુભમ પરમાર પાસેથી 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ સ્ટેડિયમમાંથી મેચ દરમિયાન પોલીસે ત્રણ સટોડિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃIPL 2024 : DC એ જીતનું ખાતું ખોલ્યું, ધોનીની તોફાની ઈનિંગ પછી પણ CSK ની હાર

Back to top button