રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પહેલા જ પંજાબ નેશનલ બેંક (PNB) સહિત ત્રણ મોટી બેંકોએ તેમની લોન મોંઘી કરી દીધી છે. આના કારણે બેંકોના ગ્રાહકોએ પહેલા કરતા વધુ માસિક હપ્તા (EMI) ચૂકવવા પડશે. હવે આવતા દિવસોમાં આરબીઆઈની બેઠક ઉપર સૌની નજર મંડરાયેલી છે કે તે રેપોરેટમાં વધારો કરશે કે યથાવત રાખશે.
આવતા અઠવાડિયામાં બેઠક યોજાશે
કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની આગામી બેઠક 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. આમાં રેપો રેટ નક્કી કરી શકાય છે. આરબીઆઈએ ગયા વર્ષે મેથી ફેબ્રુઆરી સુધીમાં છ વખત રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો. જોકે, તેણે એપ્રિલ અને જૂન મોનેટરી પોલિસી કમિટીની બેઠકોમાં દરો યથાવત રાખ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં પણ આરબીઆઈ દરો યથાવત રાખી શકે છે. પરંતુ તે પહેલા જ બેંકોએ દર વધારવાનું શરૂ કરી દીધું છે.
કઈ બેંક દ્વારા કેટલો વધારો કરવામાં આવ્યો ?
બેંક ઓફ ઈન્ડિયા
તેણે પસંદગીની ટર્મ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની વેબસાઇટ અનુસાર, એક મહિનાનો દર હવે 8.15 ટકા રહેશે. જ્યારે ત્રણ અને છ મહિના માટેનો દર પહેલા જેવો જ છે. એક વર્ષનો દર 8.70 ટકા અને ત્રણ વર્ષનો દર 8.90 ટકા રહેશે.
પીએનબી
આ બેંકનો એક વર્ષનો લોન દર 8.60 ટકા જ્યારે ત્રણ વર્ષનો દર 8.90 ટકા રહેશે. એક મહિનાનો દર 8.20 ટકા રહેશે. જોકે, ત્રણ અને છ મહિનાના દર 8.30 અને 8.50 ટકા પર યથાવત છે.
ICICI બેંક
ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે 1 ઓગસ્ટથી તમામ સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ સાથે, એક વર્ષના સમયગાળા માટે લોનનો દર 8.90 ટકા થઈ ગયો છે, જે અગાઉ 8.85 ટકા હતો. 6 મહિના માટેનો દર 8.80 ટકા છે.