ટોપ ન્યૂઝવર્લ્ડ

કાબુલ ગુરુદ્વારા એન્કાઉન્ટરમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા, PM મોદીએ ‘બર્બર’ આતંકવાદી હુમલાની નિંદા કરી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારામાં શનિવારે એક શીખ સહિત બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. ત્યારે અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવીને મોટી ઘટનાને ટાળી હતી. તાલિબાન દ્વારા નિયુક્ત ગૃહ બાબતોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના પૂજા સ્થળ પર તાજેતરના હુમલામાં કાબુલના બાગ-એ-બાલા વિસ્તારના કર્તે પરવાન ગુરુદ્વારા પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓ અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે કેટલાક કલાકો સુધી હુમલો ચાલ્યો હતો.

પાઝવોક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, તાલિબાન સુરક્ષા દળોએ ત્રણ હુમલાખોરોને માર્યા છે. તાકોરે પુષ્ટિ કરી કે, આ ઘટનામાં ઇસ્લામિક અમીરાત દળોના ઓછામાં ઓછા એક સભ્ય અને એક અફઘાન શીખ નાગરિક માર્યા ગયા અને અન્ય સાત ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, વિસ્ફોટકોથી ભરેલા વાહનને અંદર સુધી પહોંચતા પહેલા જ અટકાવવામાં આવ્યું હતું. બીબીસીએ જણાવ્યું કે, સવારે ગુરુદ્વારા પર હુમલો થયો ત્યારે 30 લોકો અંદર હતા. તાકોરે જણાવ્યું હતું કે, ગુરુદ્વારાની બહાર વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

એસોસિએટેડ પ્રેસે ગૃહ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને કહ્યું કે, પહેલા બંદૂકધારીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો જેણે ગુરુદ્વારાના ગેટ પાસે આગ પકડી લીધી હતી. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે, છેલ્લા હુમલાખોરને કેટલાક કલાકો બાદ માર્યા ગયા બાદ પોલીસ ઓપરેશનનો અંત આવ્યો હતો. સુરક્ષા દળો હુમલાને નિયંત્રિત કરવા અને હુમલાખોરોને ટૂંકા ગાળામાં ખતમ કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં સક્ષમ હતા જેથી કરીને વધુ જાનહાનિ ન થાય.

PM મોદીએ હુમલાની નિંદા કરી
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત ગુરુદ્વારા કર્તે પરવાન પર ‘બર્બર’ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. એક ટ્વિટમાં મોદીએ કહ્યું કે, કાબુલના કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી આઘાતમાં છું. હું આ બર્બર હુમલાની નિંદા કરું છું અને ભક્તોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.

વિદેશ મંત્રી એસ જયશંકરે “કાયરતાપૂર્ણ હુમલા”ની સખત નિંદા કરી અને કહ્યું કે સરકાર આ ઘટના પછીની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘ગુરુદ્વારા કર્તે પરવાન પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. અમને હુમલાના સમાચાર મળ્યા ત્યારથી અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી પ્રથમ અને મુખ્ય ચિંતા સમુદાયના કલ્યાણની છે.’

ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તેમના ટ્વીટમાં કહ્યું, અમે કાબુલમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અત્યંત ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને થઈ રહેલા વિકાસ અંગે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને પણ આ હુમલાની સખત નિંદા કરી હતી અને અફઘાનિસ્તાનની રાજધાનીમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સહાય પૂરી પાડવા કેન્દ્રને વિનંતી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ પણ હુમલાની નિંદા કરી અને કહ્યું કે, આ હુમલાએ અફઘાનિસ્તાનમાં શાંતિની શીખ સમુદાયની આશાને તોડી નાખી છે.

હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી. ભૂતકાળમાં ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસાન (IS-K) એ સમગ્ર દેશમાં મસ્જિદો અને લઘુમતીઓ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ચીનની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું, “અમે સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ કર્તે પરવાન વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. બીજો વિસ્ફોટ પ્રથમના અડધા કલાક પછી થયો હતો. હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે વિસ્તારને ઘેરી લીધો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

ન્યૂઝ એજન્સી એપી અનુસાર, 2020ના હુમલા સમયે અફઘાનિસ્તાનમાં 700થી ઓછા શીખ અને હિંદુઓ હતા. ત્યારથી ડઝનેક પરિવારો અન્યત્ર સ્થળાંતરિત થયા છે, પરંતુ ઘણા નાણાકીય અવરોધોને કારણે અન્ય દેશોમાં જઈ શક્યા નથી અને તેઓ અફઘાનિસ્તાનમાં જ રહે છે, મુખ્યત્વે કાબુલ, જલાલાબાદ અને ગઝનીમાં.

શીખ સમુદાયના નેતાઓનો અંદાજ છે કે, તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં માત્ર 140 શીખ બાકી છે, મોટાભાગે પૂર્વીય શહેર જલાલાબાદ અને રાજધાની કાબુલમાં. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી દેશમાં હરીફ સુન્ની મુસ્લિમ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ દ્વારા હુમલાઓ ચાલુ છે.

શનિવારની ઘટના અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાયના પૂજા સ્થળ પર તાજેતરનો લક્ષિત હુમલો છે. અગાઉ માર્ચ 2020માં કાબુલમાં ગુરુદ્વારા પર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 25 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો અફઘાનિસ્તાનમાં લઘુમતી શીખ સમુદાય પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો. શોર બજાર વિસ્તારમાં થયેલા આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ લીધી હતી.

Back to top button