ટોપ ન્યૂઝનેશનલ

સંદેશખલીમાં ED ટીમ ઉપર હુમલા મામલે TMC નેતાના ભાઈ સહિત ત્રણની ધરપકડ

Text To Speech

નવી દિલ્હી, 16 માર્ચ : સીબીઆઈએ શનિવારે પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર 5 જાન્યુઆરીએ થયેલા હુમલામાં સંડોવણી બદલ પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખના ભાઈ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. શાહજહાંના ભાઈ શેખ આલોમગીર, સંદેશખલીની વિદ્યાર્થી પાંખના ટીએમસીના પ્રમુખ મફુઝર મોલ્લા અને સિરાજુલ મોલ્લાને રવિવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ કલકત્તા હાઈકોર્ટના નિર્દેશો પર પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા દાખલ કરાયેલી ત્રણ એફઆઈઆરનો કબજો લીધો હતો. ઝીણવટભરી તપાસ બાદ એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવા મુજબ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સાથે સીબીઆઈ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. શાહજહાં શેખની 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો 5 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાનો ભાગ હતા. ત્યારે EDની ટીમ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં શાહજહાં શેખના પરિસરમાં દરોડા પાડવા ગઈ હતી. આરોપીઓએ લોકોને ટીમ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. આ હુમલાના થોડા દિવસો બાદ ત્યાંની મહિલાઓએ શાહજહાં શેખ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું

રાશન વિતરણ કૌભાંડનો મુખ્ય આરોપી શાહજહાં શેખ ઈડીની ટીમ પર હુમલા બાદ ફરાર થઈ ગયો હતો. સીઆઈડીએ તેમની સામેના આરોપોની તપાસ હાથ ધરી હતી. જોકે, બાદમાં કલકત્તા હાઈકોર્ટના આદેશ પર તેને સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ શેખની ધરપકડ કરી હતી. 10 માર્ચે કોર્ટે તેને ચાર દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધો હતો, જે હવે 22 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે.

Back to top button