કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં યુવકની હત્યા અને તેની પત્નીનું અપહરણ કરનાર ત્રણ ઝડપાયા

Text To Speech

રાજકોટના શાપરમાં બે દિવસ પહેલા પ્રેમલગ્નનો ખાર રાખી કારખાનામાં મજૂરી કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ મારમારી હત્યા નિપજાવી તેની પત્નીનું અપહરણ કરી કારમાં લઇ ગયાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં પોલીસે અમરેલીના બગસરાથી ત્રણ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

યુપીના યુવકની આંખ શાપરની યુવતી સાથે મળી જતા ભાગીને લગ્ન કર્યા હતા
મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ પહેલા શાપરમાં રહેતા અને મજુરી કામ કરતા નાથીબેન રાણાભાઈ માલાણીની પુત્રી અલય ઉર્ફે કુંવર સાથે પિયુષ ઉર્ફે લાલા અરુણ ગોયલની આંખ મળી જતા બન્ને શાપરથી નાશી જઈ રાજસ્થાન જતા રહ્યા હતા. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી હતી. આ મામલે નવ માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યા બાદ યુવતિના સગાસબંધી અને પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોય પોતાની પત્ની અલય ઉર્ફે કુંવરને સાથે લઈ વતન ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો. બાદમાં શાપર રહેવા આવી ગયો હતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો.
યુવતીના મામા અને પિતરાઈ સહિતનાઓએ યુવકને માર મારતા મોત થયું
દરમિયાન ગત 10 તારીખે સવારના સમયે કારમાં યુવતીના મામા, માસીનો દિકરો સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. પિયુષને માર માર્યા બાદ આરોપીઓ યુવતીનું કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત પિયુષને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
શાપર-વેરાવળ પોલીસે આરોપીઓને બગસરા પાસેથી ઝડપી યુવતીને મુક્ત કરાવી
જે બનાવ અંગે પીયૂષના પિતા અરુણ ગોયલની ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ યુવતીને લઇ અમરેલીના બગસરા બાજુ જતા રહ્યા છે. જ્યાંથી પોલીસે અપહરણનો ભોગ બનેલી અલય ઉર્ફે કુંવરને અમરેલીના બગસરા પાસેથી છોડાવી હતી. અને આરોપી વિહળ આલા માલાણી, રાદેવ જેહળ માલાણી અને સિનો વિભાભાઈ વાલાની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે ત્રણેક આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Back to top button