RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ધમકીભર્યા મેઈલમાં નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ
મુંબઈ (મહારાષ્ટ્ર), 27 ડિસેમ્બર: રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળતાં જ મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સે રિઝર્વ બેંકને ધમકીભર્યો મેલ મોકલયો હતો. તેમાં 11 સ્થળો પર બોમ્બ મૂકવાની વાત કરવામાં આવી હતી. મંગળવારે આ અંગે જાણકારી મળતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, આરબીઆઈની સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ અને અન્ય બે બેંક સહિત આ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘khilafat.india’ નામના ID પરથી મંગળવારે સવારે લગભગ 10.50 વાગ્યે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નરના ઈમેલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં RBIની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ, ચર્ચગેટમાં HDFC હાઉસ અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ICICI બેંક ટાવરમાં બોમ્બ ધમાકાની ધમકી મળી હતી.
નાણામંત્રી સીતારમણના રાજીનામાની માંગ
એફઆઈઆર મુજબ, ઈમેલ મોકલનાર વ્યક્તિએ બ્લાસ્ટની ધમકી આપી હતી અને માંગણી કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને “બેંકિંગ કૌભાંડ” ના ઘટસ્ફોટ પર વિગતવાર નિવેદન જારી કરે. તેણે ઈમેલને ટાંકીને કહ્યું કે, “મુંબઈમાં વિવિધ સ્થળોએ અને ફોર્ટમાં આરબીઆઈની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ, ચર્ચગેટમાં એચડીએફસી હાઉસ અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંક ટાવરમાં બપોરે 1:30 વાગ્યે 11 બોમ્બ બલાસ્ટ કરવામાં આવશે. બધા 11 બોમ્બ એક પછી એક વિસ્ફોટ થશે.”
સર્ચ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું
પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસે ઈમેલમાં ઉલ્લેખિત તમામ સ્થળોની શોધ કરી. પરંતુ આ સ્થળોએથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તેમણે કહ્યું કે RBIના હેડ ગાર્ડની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 505-1B (આપત્તિ અથવા તેની ગંભીરતા વિશે ખોટી ચેતવણી ફેલાવવી જેથી ગભરાટ પેદા થાય), 505-2 (તોફાની નિવેદનો કરવા) અને 506-2 (ગુનાહિત ધાકધમકી) સહિતની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બની ધમકીથી ખળભળાટ
RBIને બોમ્બની ધમકીના ઈમેલમાં RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બની ધમકી વિશે લખવામાં આવ્યું હતું. મેલમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે અને બ્લાસ્ટ બપોરે 1.30 વાગ્યે થશે. પોલીસે તમામ જગ્યાએ શોધખોળ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો