રાજકોટમાં 10 નામાંકિત હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- તમામ હોટેલોને બપોરે 12.45 કલાકે મેઈલ કરાયો
- કેન દિન નામના સેન્ડર દ્વારા ધમકી અપાઈ
રાજકોટ, 26 ઓક્ટોબર : એક તરફ દિવાળી નવા વર્ષનો તહેવાર નજીક છે ત્યારે રાજકોટ શહેરની દસ નામાંકિત હોટેલોને ઇ-મેઇલથી બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. ધમકીને પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડની ટીમો, ડોગ સ્ક્વોડ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમો જેને ધમકી મળી છે તે હોટેલ ખાતે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, કેન દિન (Kan Din) નામના સેન્ડરે ઇ-મેઇલ કરીને દસ હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સેન્ડરે ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ, સસયાજી હોટેલ, સીઝનસ હોટેલ, બીકોન હોટેલ્સ, હોટેલ ભાભા, હોટેલ પેરેમાઉન્ટ, હોટેલ જ્યોતી, ધ એલીમેન્ટ બીઝ અને ધ ગ્રાન્ડ રીજેન્સીને ઇ-મેઇલ કરીને ધમકી આપી છે. આ મેઇલ આજની તારીખે ૧૨-૪૫ કલાકે થયો હોવાનું જાણવા મળ્યું છે.
હોટેલોને આ પ્રકારની ધમકી ઇ-મેઇલથી મળતાં સંચાલકો, મેનેજરોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્બ સ્ક્વોડ, જે તે પોલીસ સ્ટેશનની ટીમોએ જેને ધમકી મળી તે હોટેલ ખાતે પહોંચી ખુણેખુણા ચેક કરવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચો :- દિવાળી ટાણે સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મૃત્યુ, પરિવારે વીજ કંપનીને ગણાવી જવાબદાર