કેન્યાની સંસદમાં હજારો પ્રદર્શનકારીઓએ લગાવી આગ, ભારતીયો માટે એડવાઈઝરી જારી
- સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારાના વિરોધમાં થઈ રહેલા હિંસક દેખાવોમાં 5 લોકોના મૃત્યુ અને 150થી વધુ લોકો ઘાયલ
નૈરોબી,26 જૂન: કેન્યામાં સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારાના વિરોધમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. નૈરોબીમાં આ હિંસામાં ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. પૂર્વ આફ્રિકન દેશમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવેરા વધારા વિરુદ્ધ હિંસક વિરોધ વચ્ચે ભારતે કેન્યામાં તેના નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની સલાહ આપી છે. સંસદે કર વધારાની દરખાસ્ત કરતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યા બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને દેખાવો થઈ રહ્યા છે.
પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી હતી
મંગળવારે કેન્યાની સંસદમાં હજારો લોકો ઘૂસી ગયા અને તેનો એક ભાગ સળગાવી દીધો તે પછી પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી હતી. કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ મંગળવારે “હિંસા અને અરાજકતા” સામે કડક વલણ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ભારતીય હાઈ કમિશને એડવાઈઝરી જારી કરી
કેન્યામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, “જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં જવાનું ટાળો. કૃપા કરીને અપડેટ્સ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને અનુસરો.”
ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA
In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.
— India in Kenya (@IndiainKenya) June 25, 2024
કેન્યામાં પોલીસની મદદ માટે સેના તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ, વોટર કેનન અને રબર બુલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમનેસ્ટી કેન્યા સહિત અનેક NGOએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને 31 લોકો ઘાયલ થયા છે.
દેખાવકારો લગાવી રહ્યા છે આરોપ
ઉલ્લેખનીય છે કે, કેન્યાની સંસદે ટેક્સ વધારવાનો પ્રસ્તાવ ધરાવતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યા બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને પ્રદર્શનો થઈ રહ્યા છે. દેખાવકારોએ કેન્યાના પ્રમુખ રૂટો પર 2022માં પ્રમુખ બન્યા બાદ જનતા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. દેખાવકારોનો આરોપ છે કે, રૂટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે ફગાવી દેવાની વાત કરી હતી.
આ પણ જુઓ: મોંઘવારી ઘટવી ખેડૂતોના હિતમાં, જાણો RBI ગવર્નરે કેમ આવું કહ્યું?