ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મારી વિરૂદ્ધ નિવેદન આપનારાઓ BJPની નજીકના છેઃ CM કેજરીવાલનો ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 27 એપ્રિલ: EDના આરોપો પર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તે દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે EDએ જેમના નિવેદનના આધારે તેમની ધરપકડ કરી છે તે ચાર સાક્ષીઓ BJP સાથે સંબંધ ધરાવે છે. અરવિંદ કેજરીવાલના મતે મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી ભાજપ સમર્થિત લોકસભા ઉમેદવાર છે. બીજા સાક્ષી સરથ રેડ્ડીની કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા ભાજપને રૂ. 60 કરોડનું દાન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ગોવાના CM પ્રમોદ સાવંતના નજીકના અને BJPના નેતા સત્ય વિજ્યના નિવેદનના આધારે તેમની ધરપકડ કરાઈ છે.

EDએ એફિડેવિટમાં લગાવ્યા ગંભીર આરોપો

કેજરીવાલે કહ્યું છે કે EDને હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને કોર્ટમાં રજૂ કર્યા. કેજરીવાલે તે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં દિલ્હી હાઈકોર્ટે દારૂની નીતિના મામલાને લગતા કથિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને કાયદેસર ઠેરવી હતી. બીજી તરફ, કેજરીવાલની આ અરજી સામે EDએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે, પુરાવા સાથે ચેડા કર્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી.

EDએ સોંગદનામામાં હાઇલાઇટ કર્યું હતું કે AAPના વડાને નવ વખત સમન્સ પાઠવ્યા છતાં પૂછપરછ ટાળી રહ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સ્પષ્ટતા કરી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ તે પછી કરવામાં આવી જ્યારે તેમણે સમન્સની વારંવાર અવગણના કરી અને દિલ્હી હાઈકોર્ટમાંથી રક્ષણ મેળવવામાં નિષ્ફળ ગયા. EDએ કોર્ટમાં જણાવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ તેમના કદ અને પદને ધ્યાનમાં લીધા વિના તમામ પુરાવા પર આધારિત છે. તેમજ તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરાઈ હતી.

ED સુપ્રીમ કોર્ટમાં જુઠ્ઠાણું બોલી રહી છે: AAP

એફિડેવિટના જવાબમાં આમ આદમી પાર્ટીએ EDના દાવાઓને નકારી કાઢ્યા અને આરોપ લગાવ્યો કે તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં જૂઠું બોલી રહી છે. તેમની પાસે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી.ED BJP ની રાજકીય પાંખ તરીકે કામ કરી રહી છે. આ EDની તપાસ નથી, પરંતુ ભાજપની તપાસ છે. ભાજપ અરવિંદ કેજરીવાલના ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભો કરવા માંગે છે. મહત્ત્વનું છે કે, તપાસ એજન્સીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. હાલ તે તિહાર જેલમાં બંધ છે.

આ પણ વાંચો: દિલ્હી સરકારને સત્તામાં જ રસ, કેજરીવાલની વ્યક્તિગત હિતને પ્રાથમિકતા : HC

Back to top button