જેઓ કઈ નથી કરી શકતા તેઓ ભારત જોડો યાત્રા કરે છે : રાજનાથસિંહના રાહુલ ગાંધી ઉપર પ્રહાર
- સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ
- સિંહે સંબોધનમાં દેશની સાંસ્કૃતિક સુરક્ષા પર ભાર મૂક્યો
- રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉપર પ્રહાર કર્યા
- કાર્યક્રમના સમાપનમાં આવી શકે છે વડાપ્રધાન
ગીર સોમનાથ જિલ્લામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજથી ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમના સંબોધનમાં તેમણે દેશની સાંસ્કૃતિક સુરક્ષા પર ભાર મૂક્યો હતો. અહીં બોલતા રક્ષા મંત્રીએ કહ્યું હતું કે દેશની ઓળખ જાળવવા માટે સુરક્ષાના અન્ય પાસાઓની જેમ “સાંસ્કૃતિક સુરક્ષા” પણ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર ‘ભારત જોડો યાત્રા’ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેઓ બીજું કંઈ કરી શકતા નથી, તેઓ ભારતને એક કરવા માટે નીકળ્યા છે જે પહેલાથી જ ‘એકિત અને અવિનાશી’ છે.
સાંસ્કૃતિક સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે
અહીં પોતાના સંબોધનમાં રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણી સભ્યતા, ધર્મ અને સંસ્કૃતિને સમર્પિત પ્રવૃત્તિઓને જોઈને આપણે કહી શકીએ કે સાંસ્કૃતિક પુનરુજ્જીવન આપણા પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે તમે બધા સરહદ સુરક્ષા, આર્થિક સુરક્ષા, સામાજિક સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા વિશે જાણો છો. હવે અવકાશ અને સાયબર સુરક્ષા જેવા નવા પરિમાણો પણ ઉમેરાયા છે. હા, સુરક્ષાનું બીજું એક પરિમાણ છે જે એટલું જ મહત્વનું છે અને તે પરિમાણ આપણી સંસ્કૃતિ છે. આને સાંસ્કૃતિક સુરક્ષા પણ કહી શકાય. જે રીતે રાષ્ટ્રની ઓળખ અકબંધ રાખવા માટે સરહદોની સુરક્ષા અને અન્ય બાબતો જરૂરી છે, તેવી જ રીતે દેશની ઓળખ જાળવી રાખવા માટે તેની સંસ્કૃતિનું રક્ષણ પણ જરૂરી છે. ભારતની સાંસ્કૃતિક પરંપરા એટલી મજબૂત છે કે જોરદાર તોફાન પણ તેને હલાવી શકતું નથી.
રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન સાધ્યું
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પરંતુ કેટલાક લોકોમાં આવા અખંડ અને અનોખા ભારતને જોડવાની ફેશન છે. જેઓ બીજું કશું કરી શકતા નથી તેઓ ભારતને જોડવા નીકળી પડે છે, પરંતુ ભારત કહે છે કે ‘હું અખંડ છું, હું તૂટ્યો નથી’, છતાં તેઓ કહે છે કે ના, હું તમને જોડતો રહીશ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા તેમણે આડકતરી રીતે કહ્યું કે આજે નહીં, તેઓ લાંબા સમયથી ભારતને એક કરવા માટે કામ કરી રહ્યા છે.