જે ચૂંટણી જીતી શકતા નથી, એ રાજ્યસભામાં ચૂંટાઈ છે : PM મોદી
- વડાપ્રધાનનો સોનિયા ગાંધી ઉપર વાક હુમલો
નવી દિલ્હી, 21 એપ્રિલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોરમાં કહ્યું કે દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે અને જે પાર્ટી એક સમયે 400 સીટો જીતી હતી તે આ લોકસભા ચૂંટણીમાં 300 સીટો પર ચૂંટણી લડી શકતી નથી. પીએમે ચૂંટણી રેલીમાં કહ્યું કે પહેલા તબક્કાના મતદાનમાં અડધા રાજસ્થાને કોંગ્રેસને સજા આપી છે. દેશભક્તિથી ભરપૂર રાજસ્થાન જાણે છે કે કોંગ્રેસ ક્યારેય ભારતને મજબૂત નહીં બનાવી શકે. તેમણે કહ્યું કે દેશ નથી ઈચ્છતો કે 2014 પહેલાની સ્થિતિ પાછી આવે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર પરોક્ષ પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જેઓ ચૂંટણી લડી શકતા નથી, ચૂંટણી જીતી શકતા નથી તેઓ મેદાન છોડીને ભાગી ગયા છે. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે. કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ફેબ્રુઆરીમાં રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયેલા સાંસદોમાં સામેલ છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમણે એક તકવાદી INDI ગઠબંધન બનાવ્યું છે, તે એક પતંગ જેવું છે જેની દોરી ઉડતા પહેલા જ કપાઈ ગઈ છે. આ માત્ર નામનું ગઠબંધન છે, કારણ કે તેના ઘટક પક્ષો ઘણા રાજ્યોમાં એકબીજા સામે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં દેશમાં 25 ટકા બેઠકો એવી છે જ્યાં આ ગઠબંધનના લોકો એકબીજાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પહેલા આટલી લડાઈ થઈ રહી છે તો ચૂંટણી પછી લૂંટ માટે તેઓ કેટલી લડાઈ કરશે તેની તમે કલ્પના કરી શકો છો. શું આપણે આટલો મોટો દેશ આ લોકોને સોંપી શકીએ?
પીએમએ કહ્યું કે, ‘કોંગ્રેસે ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈ ફેલાવીને દેશને પોકળ કરી નાખ્યો છે અને આજે દેશ કોંગ્રેસથી નારાજ છે અને તેને આ પાપોની સજા આપી રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાની વર્તમાન સ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. જે પાર્ટી એક સમયે 400 બેઠકો જીતી હતી તે 300 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી શકતી નથી. PM મોદી જાલોર જિલ્લાના ભીનમલમાં બીજેપી ઉમેદવાર લુમ્બારામ ચૌધરીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. મહત્વનું છે કે રાજસ્થાનમાં લોકસભાની 25 સીટો છે. 12 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને બાકીની 13 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે.