આ વર્ષે કટોકટી દિવસ નહીં પણ સંવિધાન હત્યા દિવસ: વાંચો પૂર્વ પ્રધાનમંત્રીના પગલાનો વિરોધ કેવી રીતે?

એચડી ન્યૂઝ ડેસ્ક, 24 જુન 2025: Emergency ૨૫ જૂન ૧૯૭૫, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સીના દિવસે ભાજપ દર વર્ષે કટોકટી દિવસની ઉજવણી કરે છે. પરંતુ આ વખતે ૨૫ જૂને, ભાજપે તેને ‘સંવિધાન હત્યા દિવસ’ નામ આપ્યું છે. કટોકટીની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે, દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે કટોકટીની ૫૦મી વર્ષગાંઠ પર એક ખાસ કાર્યક્રમ યોજાશે.
21 મહિના સુધી કટોકટી લદાઇ હતી
25 જૂન 1975ની મધ્યરાત્રિ પહેલા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે એક ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું, જેને પાછળથી કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. આ સમયગાળા દરમિયાન, ઘણા નેતાઓ, માનવાધિકાર કાર્યકરો અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને પ્રેસની સ્વતંત્રતા પર પણ અંકુશ મૂકવામાં આવ્યો હતો. 21 મહિના સુધી લાદવામાં આવેલી કટોકટીને સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી કાળો સમય માનવામાં આવે છે.
લોકોના અધિકારો વિશે સમજ અપાશે
સંસ્કૃતિ મંત્રાલય સ્વતંત્રતાના ઇતિહાસમાં એક કાળો અધ્યાય, સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫નું આયોજન કરશે. ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દ્વારા ભાજપ નવી પેઢીને કટોકટીના કાળા પ્રકરણ વિશે માહિતી આપશે. સામાન્ય લોકોના અધિકારો કેવી રીતે છીનવાઈ ગયા તે પણ જણાવવામાં આવશે. નેતાઓ કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો સુધી પહોંચીને કાર્યક્રમોનું આયોજન કરશે.
25 જૂને ‘પસ્તાવો’ કરો: કોને ટકોર કરાઇ?
કટોકટીને યાદ કરતા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે બંધારણની નકલ લઈને ‘ફરતા’ કોંગ્રેસના નેતાઓએ દર વર્ષે 25 જૂને ‘પસ્તાવો’ કરવો જોઈએ. તેમણે કહ્યું, “કોંગ્રેસે કટોકટી જેવા કટ્ટરવાદી નિર્ણયો લઈને બંધારણને તોડી નાખ્યું, જ્યારે આજે ભાજપ બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
આ પ્રકારના યોજાશે કાર્યક્રમો:
- દિલ્હીના કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી કટોકટી પર આધારિત પ્રદર્શન યોજાશે. તેમાં આવતા MISA કેદીઓનું ખાસ સ્વાગત કરવામાં આવશે.
- યુપીમાં પણ કટોકટીની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે, રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે, જેનો હેતુ લોકશાહીના આ કાળા પ્રકરણ વિશે માહિતી આપવાનો છે.
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌમાં કાર્યક્રમને સંબોધિત કરશે. તે જ સમયે, યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી મુરાદાબાદમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.
- ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પ્રતાપગઢમાં કાળા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે અને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક બારાબંકીમાં કાળા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો: Iran Israel war: ખામેનીને બંકરમાંથી બહાર કાઢીને અમેરિકાની તેને નિશાન બનાવવાની કોઈ યોજના છે?
આ પણ વાંચો: કચ્છ કાર્નિવલ માટે દીવા તળે અંધારૂં ઓસર્યું? સાંસદે સંસ્કૃતિના સંવર્ધનની શું પહેલ કરી? વાંચો












