બોલિવૂડ ડેસ્કઃ આ વર્ષ બોલિવૂડ માટે ઘણું આકરું રહ્યું છે. ઘણાં સેલેબ્સે આ ફાની દુનિયાને આ વર્ષે અલવિદા કહી છે. તેટલું જ નહીં, આ વર્ષ સંગીત ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જ ખરાબ રહ્યું છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના કેટલાક દિગ્ગજ કલાકારો, જેમણે હંમેશા પોતાના ગીતો અને સંગીતથી લોકોના દિલ જીતી લીધા છે. તેઓ આ વર્ષે તેમના ચાહકોને રડતા છોડીને ચાલ્યા ગયા છે. જો કે, તેઓ આજે આ દુનિયામાં નથી, પરંતુ તેમના ગીતો અને તેમની યાદો હંમેશા ચાહકોના દિલમાં જીવંત રહેશે.
KK
પોતાની કારકિર્દીમાં ઘણા હિટ બોલિવૂડ ગીતો આપનાર લોકપ્રિય બોલિવૂડ સિંગર કેકેનું મંગળવારે મોડી રાત્રે નિધન થયું. કેકેનું કોલકાતામાં પર્ફોર્મન્સ હતું. પરંતુ તે પછી તેની તબિયત બગડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લતા મંગેશકર
દેશના સ્વર કોકિલા તરીકે ઓળખાતા લતા મંગેશકર 6 ફેબ્રુઆરીએ આપણને છોડીને ચાલ્યા ગયા. કોવિડ અને ન્યુમોનિયાની તકલીફ બાદ લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. જો કે ડોકટરોએ કહ્યું હતુ કે, તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ પછી તેમની તબિયત વધુ બગડી અને અંતે તેમણે આ ફાની દુનિયમાંથી વિદાય લીધી હતી.
બપ્પી લહેરી
લતા મંગેશકરના મૃત્યુના થોડાં દિવસો પછી સંગીત ઇન્ડસ્ટ્રીના ડિસ્કો કિંગ તરીકે જાણીતા બપ્પી લાહિરીનું 16 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. બપ્પીની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. પરંતુ ત્યારબાદ તેમની તબિયત સારી થતાં તેમને રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત ફરી બગડતાં તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી 16 ફેબ્રુઆરીએ તેમના મૃત્યુના સમાચાર આવ્યા.
સિદ્ધુ મુસેવાલા
ગાયક સિદ્ધુ મુસેવાલા ભલે પંજાબી ગાયક હોય, પરંતુ દેશભરમાં તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત હતી. સિદ્ધુએ ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ બનાવ્યું હતું. પણ તેને ક્યાં ખબર હતી કે તેનું આયુષ્ય લાંબુ નથી. 29 મેના રોજ સિદ્ધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.